Vadodara

વડોદરા : ગોવાથી ગુજરાતમાં દારૂ સપ્લાયનો પર્દાફાશ, રૂ.96.59 લાખના દારૂ સાથે રૂ.1.06 કરોડનો મુદ્દામાલ જપ્ત

ગોવાથી દારૂ ભરીને આવેલા કન્ટેનરને ગ્રામ્ય એલસીબીએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ પર ગોકુળપુરા પાસેથી પકડ્યું, રાજસ્થાનના ડ્રાઇવરની ધરપકડ

વડોદરા તા.23

વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન પરાક્રમ હેઠળ ગોવામાંથી ગુજરાતમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગોકળપુરા ગામ નજીકથી બંધ બોડીના કન્ટેનરમાં વિદેશી દારૂનો રૂપિયા 96.59 લાખનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો અને કન્ટેનર સહિત રૂ.1.06 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી રાજસ્થાનના ડ્રાઇવરની ધરપકડ કરી છે. જ્યારે દારૂ મંગાવનાર અને દારૂ સપ્લાય કરનારને વોન્ટેડ જાહેર કર્યા છે.

વડોદરા જિલ્લામાં દારૂ, જુગાર અને અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની એસ.પી અગ્રવાલ દ્વારા સૂચના આપવામાં આવી છે. જેના પગલે ઓપરેશન પરાક્રમ અંતર્ગત એલસીબી વડોદરા ગ્રામ્યને વિદેશી દારૂની હેરાફેરી અંગે ચોક્કસ બાતમી મળી હતી કે કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે અને તે ભરુચથી વાસદ તરફ જઈ રહ્યો છે.
બાતમીના આધારે પોલીસે એક્સપ્રેસ હાઈવે ઉપર ગોકળપુરા ગામ નજીક નાકાબંધી કરી દરમિયાન કન્ટેનર આવતા તેને ઊભું રખાવ્યું હતું ત્યારબાદ તપાસ દરમિયાન કન્ટેનરમાંથી રૂ.96.59 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી ગ્રામ્ય એલસીબી દ્વારા વિદેશી દારૂ મોબાઇલ અને રૂ.10 લાખનુ કન્ટેનર મળી રૂ.1.06 કરોડનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
પોલીસે ડ્રાઇવર લખન મહિપાલ બિશ્નોઈ (રહે. જોધપુર, રાજસ્થાનની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતુ કે તેના ઓળખીતા રાજુરામ બિશ્નોઈએ તેને ગોવા બોલાવ્યો હતો, જ્યાં ધર્માભાઈ નામના વ્યક્તિએ મડકઈ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી દારૂ ભરેલું કન્ટેનર આપ્યું હતું. ત્યારબાદ લોકેશન મુજબ ગુજરાતમાં સપ્લાય કરવા સૂચના આપી હતી. હાલમાં એલસીબીએ
વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે.

Most Popular

To Top