Gujarat

વડનગરમાં L&Tની વિશ્વસ્તરીય સ્કિલ ટ્રેનિંગ સંસ્થા કાર્યરત, યુવાનો માટે રોજગારીની ઉજળી તકો

ગાંધીનગર
લાર્સન એન્ડ ટુબ્રો (L&T) કંપનીએ ગુજરાત સરકારના સહયોગથી મહેસાણા જિલ્લાના વડનગર ખાતે વિશ્વસ્તરીય ઇન્ડસ્ટ્રિયલ કન્સ્ટ્રક્શન સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ICSTI) સ્થાપી છે. પીએમ નરેન્દ્ર મોદીના સ્કિલ ઇન્ડિયા મિશનને આગળ ધપાવતી આ સંસ્થા યુવાનોને ઉદ્યોગલક્ષી તાલીમ આપી રોજગાર અને ઉદ્યોગ સાહસિકતાની નવી તકો ઉપલબ્ધ કરાવી રહી છે.

30 વીઘા વિસ્તારમાં ફેલાયેલી આ તાલીમ સંસ્થામાં અત્યાર સુધી બે પાયલોટ બેચના કુલ 201 તાલીમાર્થીઓએ તાલીમ પૂર્ણ કરી છે. તાલીમ પૂર્ણ કર્યા બાદ યુવાનો હાલ ધોલેરા સેમિકંડક્ટર ફેબ પ્રોજેક્ટ, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન, અમદાવાદ મેટ્રો, ખંભાળિયા સોલર પાવર પ્લાન્ટ અને પાણીપત રિફાઇનરી જેવા મોટા પ્રોજેક્ટોમાં રૂ. 18 હજારથી 20 હજારના સ્ટાઇપેન્ડ સાથે કામ કરી રહ્યા છે.

સંસ્થામાં 45, 60 અને 90 દિવસના કોર્સ દ્વારા 20થી વધુ ટ્રેડોમાં તાલીમ આપવામાં આવે છે. તેમાં ફોર્મવર્ક કાર્પેન્ટ્રી, વેલ્ડિંગ, ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બિંગ, HVAC, સોલાર PV ટેક્નિશિયન, CCTV, IOT, ફાયર ફાઇટિંગ, સર્વેઇંગ અને ટ્રાન્સમિશન ટાવર ઇરેકશન જેવા કોર્સનો સમાવેશ થાય છે.સંસ્થાની ખાસિયત એ છે કે તાલીમાર્થીઓ પાસેથી કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. ભાઈઓ અને બહેનો માટે અલગ હોસ્ટેલ, રહેવા-જમવાની મફત વ્યવસ્થા, જિમ, રમતગમત મેદાન, યોગ હોલ અને હેલ્થકેર જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

L&T ICSTI-વડનગરના વડા નિરંજન મિશ્રાએ જણાવ્યું હતું કે તાલીમનું ફ્રેમવર્ક યુકેના Construction Industry Training Board (CITB)ના ધોરણો પર આધારિત છે. તાલીમ બાદ ઉમેદવારોને National Apprenticeship Promotion Scheme (NAPS) અને Prime Minister Internship Scheme (PMIS) હેઠળ કુલ 33 મહિના સુધી સ્ટાઇપેન્ડ સાથે કામ કરવાની તક મળે છે. બે વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ ઉમેદવારો Front Line Supervisor તરીકે પણ આગળ વધી શકે છે તેમજ આંતરરાષ્ટ્રીય પ્લેસમેન્ટની તક પણ ઉપલબ્ધ બને છે.રાજય સરકાર રાજ્યભરમાં સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરો સ્થાપી યુવાનોને ઉદ્યોગલક્ષી તાલીમ આપવા સતત પ્રયાસ કરી રહી છે.18થી 35 વર્ષની વયના ઉમેદવારો અહીં પ્રવેશ મેળવી શકે છે. કેટલાક સિવિલ ટ્રેડમાં ધોરણ-5 પાસ ઉમેદવારોને પણ તક આપવામાં આવે છે, જ્યારે અન્ય ટ્રેડ માટે ITI લાયકાત જરૂરી રાખવામાં આવી છે.

Most Popular

To Top