ગાંધીનગર,
ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલે અમદાવાદના નિકોલ વિસ્તારમાં ચાલી રહેલા ઓનલાઈન IPL ક્રિકેટ સટ્ટા રેકેટનો પર્દાફાશ કરી મુખ્ય આરોપી વિજયકુમાર વલ્લભાભાઈ કરડાણીની ધરપકડ કરી છે. પોલીસે દરોડા દરમિયાન ₹15.73 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી 47 આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે.એસએમસીની ટીમ દ્વારા આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવતા , આગામી તા.26મી મે એટલે કે છ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. આ કેસમાં મુખ્ય આરોપી એવા દિલ્હીના રાજવીરસિંઙ સામે પણ ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે.
ગુજરાતના પોલીસ મહાનિદેશક ડૉ. કે. એલ. એન. રાવે IPL ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન ગેરકાયદેસર ક્રિકેટ સટ્ટા પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપ્યા બાદ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમોએ વોચ ગોઠવી હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા દેવસ્ય ઈન્ટરનેશનલ સ્કૂલ નજીક સૃષ્ટિ લેવિસ એપાર્ટમેન્ટમાં વિજયકુમાર વલ્લભભાઈ કરડાણી નામનો શખ્સ તેના સાગરિતો સાથે ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગ ચલાવી રહ્યો છે.
અગાઉથી મળેલી બાતમીના આધારે 20 મેના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી આરોપી વિજયકુમાર કરડાણીને ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી ટેબલેટ, ત્રણ મોબાઈલ ફોન, ટીવી, સેટટોપ બોક્સ, કેલ્ક્યુલેટર, રોકડ રકમ તેમજ કાર સહિત કુલ ₹15,73,660નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.તપાસ દરમિયાન પોલીસે દિલ્હી સ્થિત રાજવીરસિંહ નામના મુખ્ય વોન્ટેડ આરોપીનું નામ બહાર લાવ્યું છે, જે ક્રિકેટ સટ્ટાની ઓનલાઈન આઈડી પૂરી પાડતો હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત અન્ય 46 ગ્રાહકોની સંડોવણી પણ સામે આવી છે. તમામ સામે સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા, ભારતીય ન્યાય સંહિતા તથા IT એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી satsportexch.com અને baazi888.now જેવી વેબસાઈટ્સ પર મળેલી આઈડી મારફતે ઓનલાઈન ક્રિકેટ સટ્ટા ચલાવતો હતો. સટ્ટાની હારજીતના નાણાં વિવિધ બેંક એકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કરીને કમિશન મેળવવાની પદ્ધતિ અપનાવવામાં આવતી હતી.મહત્વની બાબત એ છે કે મુખ્ય આરોપી વિજયકુમાર કરડાણી સામે અગાઉ પણ માર્ચ 2026માં નિકોલ પોલીસ સ્ટેશનમાં ક્રિકેટ સટ્ટા સંદર્ભે ગુનો નોંધાયો હતો. તે કેસમાં જામીન પર છૂટ્યા બાદ તેણે ફરી ગેરકાયદેસર સટ્ટાની પ્રવૃત્તિ શરૂ કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.