Gujarat

જનગણના 2027 માટે ગુજરાતમાં નવી ડિજિટલ પહેલ, આ રીતે કરો સ્વ ગણતરી

ગુજરાતમાં જનગણના 2027 માટે ડિજિટલ સ્વ-વસ્તી ગણતરીની શરૂઆત કરવામાં આવી છે. રાજ્યના નાગરિકો હવે ઘરે બેઠા ઓનલાઈન પોતાના પરિવાર અને ઘરની વિગતો ભરી શકશે. આ નવી વ્યવસ્થા અંતર્ગત લોકો 31 મે 2026 સુધી વેબ પોર્ટલ મારફતે પોતાની માહિતી આપી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના પરિવારની વિગતો ઓનલાઈન ભરીને આ સ્વ ગણતરી પ્રક્રિયાની ઔપચારિક શરૂઆત કરાવી હતી. સરકારનું કહેવું છે કે આ નવી પદ્ધતિથી લોકો માટે પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનશે. સાથે જ ડિજિટલ સિસ્ટમથી માહિતી એકત્ર કરવાની કામગીરી વધુ પારદર્શક બનશે. વસ્તી ગણતરી-2027માં પહેલીવાર સ્વ ગણતરીની સુવિધા આપવામાં આવી રહી છે. અગાઉ સરકારી કર્મચારીઓ ઘર-ઘર જઈને માહિતી એકત્ર કરતા હતા, પરંતુ હવે નાગરિકો પોતે જ મોબાઈલ અથવા કમ્પ્યુટર દ્વારા પોતાની વિગતો ઓનલાઈન ભરી શકશે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે પરિવારના વડા અથવા પરિવારની કોઈપણ પુખ્ત વયની વ્યક્તિ સમગ્ર પરિવારની માહિતી ભરી શકશે. એક જ લોગિનથી આખા પરિવારની વિગતો સબમિટ કરી શકાશે. વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં નાગરિકોએ પોતાના ઘરની સ્થિતિ અને સુવિધાઓ વિશે કુલ 33 પ્રકારની માહિતી આપવાની રહેશે. તેમાં ઘર કઈ સામગ્રીથી બનેલું છે, પીવાનું પાણી, શૌચાલય, વીજળી, ઈન્ટરનેટ સહિતની વિગતો સામેલ છે. સરકાર દ્વારા નાગરિકોને ખાસ રાહત પણ આપવામાં આવી છે. આ પ્રક્રિયામાં કોઈપણ પ્રકારના દસ્તાવેજ આપવાની જરૂર રહેશે નહીં. નાગરિકો જે માહિતી આપશે તેના આધારે જ સરકારી કર્મચારીઓ માહિતી નોંધશે. કોઈ પુરાવા અથવા ડોક્યુમેન્ટ રજૂ કરવા નહીં પડે. સરકારે વધુમાં જણાવ્યું છે કે નાગરિકોની વ્યક્તિગત માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. સેન્સસ એક્ટ 1948 હેઠળ આ માહિતી સુરક્ષિત રહેશે અને કોઈ વ્યક્તિ અથવા સંસ્થા સાથે શેર કરવામાં આવશે નહીં. માત્ર સરેરાશ ડેટા અને સંક્ષિપ્ત માહિતી જ જાહેર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 17 મેથી 31 મે 2026 દરમિયાન નાગરિકો ઓનલાઈન સ્વ ગણતરીમાં ભાગ લઈ શકશે. ત્યારબાદ 1 જૂનથી 30 જૂન 2026 દરમિયાન 1 લાખથી વધુ વસ્તી ગણતરી કર્મચારીઓ દ્વારા ઘર-ઘર જઈને હાઉસ લિસ્ટિંગ ઓપરેશન હાથ ધરવામાં આવશે. સરકારનું માનવું છે કે ડિજિટલ સ્વ ગણતરીથી સમયની બચત થશે, લોકોની ભાગીદારી વધશે અને સમગ્ર જનગણનાની પ્રક્રિયા વધુ સરળ અને આધુનિક બનશે.

આ રીતે કરો સ્વ ગણતરી

  • સૌપ્રથમ નાગરિકોએ સેન્સસ પોર્ટલ પર જવું પડશે.
  • ત્યારબાદ મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને લોગિન કરવું પડશે.
  • લોગિન થયા પછી નકશા પર પોતાના ઘરનું લોકેશન સેટ કરવું રહેશે.
  • ત્યારબાદ પરિવારના સભ્યો અને ઘરની જરૂરી વિગતો ભરવાની રહેશે.
  • તમામ માહિતી ભર્યા પછી ફોર્મ સબમિટ કરવું પડશે.
  • સબમિટ થયા બાદ નાગરિકોને એક SE ID આપવામાં આવશે.
  • જ્યારે વસ્તી ગણતરીકાર ફિલ્ડ વિઝિટ માટે આવશે ત્યારે આ SE ID બતાવવાની રહેશે.
  • ત્યારબાદ આપેલી માહિતીની પુષ્ટિ થશે અને પરિવારનો વસ્તી ગણતરીમાં સમાવેશ કરવામાં આવશે.

Most Popular

To Top