National

ગુજરાત સહિત 10 રાજ્યોમાં રાજ્યસભા ચૂંટણીનું એલાન, 18 જૂને થશે મતદાન, ઉમેદવારી 8 જૂન સુધી ભરાશે

દેશની રાજનીતિ માટે મહત્વપૂર્ણ માનાતી રાજ્યસભાની 24 બેઠકો માટે ચૂંટણી પંચે દ્વિવાર્ષિક ચૂંટણીની તારીખો જાહેર કરી છે. ગુજરાત સહિત 10 રાજ્યોમાં આવનારી 18 જૂન, 2026ના રોજ મતદાન યોજાશે અને તે જ દિવસે સાંજે 5 વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી પંચની જાહેરાત બાદ રાજકીય પક્ષોમાં હલચલ તેજ બની ગઈ છે અને ઉમેદવારીને લઈને મથામણ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પંચના કાર્યક્રમ અનુસાર રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 8 જૂન રાખવામાં આવી છે. ઉમેદવારી ફોર્મની ચકાસણી 9 જૂને થશે, જ્યારે ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખ 11 જૂન નક્કી કરવામાં આવી છે. મતદાન 18 જૂને સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી યોજાશે. આ ચૂંટણી એવા રાજ્યોમાં યોજાઈ રહી છે જ્યાં વર્તમાન રાજ્યસભા સભ્યોનો કાર્યકાળ જૂન અને જુલાઈ 2026 દરમિયાન પૂર્ણ થઈ રહ્યો છે. ગુજરાત, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં સૌથી વધુ ચાર-ચાર બેઠકો માટે ચૂંટણી યોજાશે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ત્રણ-ત્રણ બેઠકો, ઝારખંડમાં બે બેઠકો તેમજ મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમમાં એક-એક બેઠક માટે મતદાન થશે.

ગુજરાતની વાત કરીએ તો રાજ્યસભાના ચાર સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. જેમાં રામભાઈ મોકારિયા, નરહરી અમીન, શક્તિસિંહ ગોહિલ અને રમિલાબેન બારા સામેલ છે. આ ચાર બેઠકો માટેની ચૂંટણી રાજ્યની રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. દેશભરના ઘણા જાણીતા નેતાઓ પણ આ વખતે નિવૃત્ત થઈ રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડા, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ, કેન્દ્રીય મંત્રી જ્યોર્જ કુરિયન તેમજ રવનીત સિંહ બિટ્ટુનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. રાજ્યવાર જોવામાં આવે તો આંધ્રપ્રદેશમાં અયોધ્યા રામી રેડ્ડી અલ્લા, પરિમલ નથવાણી, પિલ્લી સુભાષચંદ્ર બોઝ અને સાના સતીશ બાબુની બેઠકો ખાલી થઈ રહી છે. મધ્યપ્રદેશમાં દિગ્વિજય સિંહ, જ્યોર્જ કુરિયન અને સુમેર સિંહ સોલંકીની બેઠકો માટે ચૂંટણી થશે. કર્ણાટકમાં મલ્લિકાર્જુન ખડગે, એચ.ડી. દેવગૌડા, નારાયણા કોરગપ્પા અને ઇરન્ના કડાડી નિવૃત્ત થઈ રહ્યા છે.

રાજસ્થાનમાં નીરજ ડાંગી, રાજેન્દ્ર ગહલોત અને રવનીત સિંહ બિટ્ટુની બેઠકો માટે ચૂંટણી યોજાશે. ઝારખંડમાં દીપક પ્રકાશ અને ખાલી પડેલી શિબુ સોરેનની બેઠક માટે મતદાન થશે. ઉપરાંત મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમમાં પણ એક-એક બેઠક માટે ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે તમામ પ્રક્રિયા નક્કી કરાયેલા કાર્યક્રમ મુજબ પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવશે. રાજ્યસભાની આ ચૂંટણી આગામી સમયમાં સંસદના રાજકીય સમીકરણો બદલવામાં મહત્વની સાબિત થઈ શકે છે. ખાસ કરીને ગુજરાત, કર્ણાટક અને આંધ્રપ્રદેશ જેવી રાજકીય રીતે મહત્વપૂર્ણ રાજ્યોમાં પક્ષો માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો મુદ્દો બની રહી છે.

Most Popular

To Top