માત્ર 28 દિવસમાં ગર્ભ પરીક્ષણ, પશુપાલકોને હજારો રૂપિયાની બચત
અમદાવાદ,
અમદાવાદ સ્થિત બિગનેનો વેન્ચર્સ સ્ટાર્ટઅપે દૂધાળા પશુઓ માટે અદ્યતન અર્લી પ્રેગ્નન્સી ડિટેક્શન કિટ વિકસાવી છે, જેના દ્વારા ગાય-ભેંસમાં માત્ર 28 થી 35 દિવસમાં ગર્ભધારણ થયું છે કે નહીં તેની જાણકારી મેળવી શકાય છે. પશુપાલકો માટે આ કિટ “ગેમ ચેન્જર” સાબિત થઈ રહી છે, કારણ કે ફક્ત એક ટીપું લોહી અને 5 થી 10 મિનિટમાં પરિણામ મળી જાય છે.
સ્ટાર્ટઅપની કો-ફાઉન્ડર કોમલ કલંત્રીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી પશુઓમાં ગર્ભ પરીક્ષણ માટે 90 થી 120 દિવસ રાહ જોવી પડતી હતી અને પરંપરાગત પદ્ધતિમાં પશુઓના રેક્ટમમાં હાથ નાખીને ચકાસણી કરવામાં આવતી હતી, જેના કારણે પશુઓને ભારે તણાવ થતો અને ક્યારેક ગર્ભપાતનો ભય પણ રહેતો હતો. નવી ટેક્નોલોજી આધારિત આ કિટ દ્વારા પશુના કાન, પૂંછડી અથવા ગળાની નસમાંથી લોહીનું એક ટીપું લઈને કિટ પર મૂકવામાં આવે છે. ત્યારબાદ બફર કેમિકલનાં બે ટીપાં ઉમેરતા જ માત્ર થોડા જ મિનિટોમાં ગર્ભાવસ્થાની જાણકારી મળી જાય છે.
તેમણે જણાવ્યું હતું કે આ કિટનો ખર્ચ માત્ર ₹250 થી ₹300 જેટલો છે અને તેની મદદથી પશુપાલકોને પ્રતિ પશુ ₹10 હજારથી ₹12 હજાર સુધીનો આર્થિક ફાયદો થઈ શકે છે. કારણ કે વહેલી તકે ગર્ભ નિદાન થવાથી બિનઉત્પાદક સમયગાળો ઘટે છે અને પશુના આરોગ્ય સાથે દૂધ ઉત્પાદન પર પણ સકારાત્મક અસર પડે છે.રાજ્ય સરકારની SSIP 2.0 યોજના અંતર્ગત i-Hubની સૃજન સીડ સહાય યોજના હેઠળ આ સ્ટાર્ટઅપને ₹10 લાખની સહાય પણ આપવામાં આવી હોવાનું કોમલ કલંત્રીએ જણાવ્યું હતું.
ગુજરાતમાં અમુલ સાથે બિગનેનો વેન્ચર્સ જોડાયેલું છે. ઉપરાંત હરિયાણામાં નવીન જિંદલ ગ્રૂપ સાથે પણ કંપનીએ જોડાણ કર્યું છે. હાલ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ પશુપાલકો આ કિટનો ઉપયોગ કરી રહ્યા છે. નેપાળના ખેડૂતોમાં પણ આ ટેક્નોલોજી પ્રત્યે રસ વધી રહ્યો હોવાનું જણાવાયું હતું.
કોમલ કલંત્રીએ જણાવ્યું હતું કે ગૌશાળાની મુલાકાત દરમિયાન પશુઓમાં થતી પીડાદાયક ગર્ભ તપાસ પદ્ધતિ જોઈને આ સંશોધનનો વિચાર આવ્યો હતો. બાયોટેકનો અભ્યાસ અને ડાયગ્નોસ્ટિક્સ ક્ષેત્રના અનુભવના આધારે પશુઓ માટે Non-invasive અને સરળ તપાસ પદ્ધતિ વિકસાવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો.સ્ટાર્ટઅપ દ્વારા ભવિષ્યમાં પશુઓમાં બ્રૂસેલા, ફૂટ એન્ડ માઉથ ડિસીઝ (FMD), TB અને મેસ્ટાઇટિસ જેવા રોગો માટે સ્વ-પરીક્ષણ કિટ વિકસાવવાની યોજના પણ જાહેર કરવામાં આવી છે.પશુપાલન અને ડેરી ક્ષેત્રે ગુજરાત દેશનું અગ્રણું રાજ્ય છે ત્યારે આવી ટેક્નોલોજી ખેડૂતોની આવક વધારવા, પશુ આરોગ્ય સુધારવા અને ડેરી ઉત્પાદનક્ષમતા વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.