Gujarat

રાજકોટ અને અમદાવાદમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું

અમદાવાદ : ગુજરાતમાં ઉનાળાની ગરમી સતત વધી રહી છે. આજે રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટ અને અમદાવાદમાં 44 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સાત દિવસ દરમિયાન તાપમાનમાં ખાસ ફેરફાર થવાની શક્યતા નથી અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન યથાવત્ રહેવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના આંકડા મુજબ આજે અમરેલી અને ગાંધીનગરમાં 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. સુરેન્દ્રનગરમાં પણ 43 ડિગ્રી તાપમાન રહ્યું હતું. કંડલા એરપોર્ટ, ડીસા, વલ્લભ વિદ્યાનગર અને વડોદરામાં 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.આ ઉપરાંત ભૂજમાં 39 ડિગ્રી, ભાવનગરમાં 39 ડિગ્રી, સુરતમાં 38 ડિગ્રી, કંડલા પોર્ટ અને મહુવામાં 37 ડિગ્રી, કેશોદમાં 37 ડિગ્રી, જ્યારે નલિયા, પોરબંદર અને દમણમાં 35 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું.હવામાન વિભાગના અનુમાન મુજબ અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આવતીકાલે આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે અને મહત્તમ તાપમાન ફરી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં દિવસના તાપમાનમાં કોઈ મોટા ફેરફાર નોંધાયા નથી. રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહ્યું હતું.

હવામાનની સ્થિતિ અંગે વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. આગામી 3 થી 4 દિવસમાં દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર, કોમોરિન વિસ્તાર, બંગાળની ખાડીના કેટલાક ભાગો તથા આંદામાન સમુદ્રના વિસ્તારોમાં ચોમાસું આગળ વધવાની શક્યતા છે. કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 26 મે આસપાસ પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Most Popular

To Top