ગાંધીનગર : આજે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ગ્રામજનોની સુખાકારીમાં વધારો કરતી નવી “અટલવાડી યોજના”ને મંજૂરી આપી છે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના છેવાડાના નાગરિકોની સુવિધાઓમાં વધારો કરવાના ઉદ્દેશ્ય સાથે “અટલવાડી યોજના”ને મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. આ યોજના હેઠળ ગામડાઓમાં સામાજિક અને જાહેર પ્રસંગો એક છત હેઠળ થઈ શકે તે પ્રકારની ૫૦૦ લોકોની ક્ષમતા ધરાવતી “અટલવાડી” બનાવવામાં આવશે. અટલવાડીમાં આર્ક-શેડ સહિતનો મોટો ઓપન હોલ, રસોડું, મહિલા અને પુરુષો માટે અલગ શૌચાલય અને પીવાના શુદ્ધ પાણીની પ્રાથમિક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે. રાજ્યમાં ૨,૦૦૦થી વધુ વસ્તી ધરાવતા ગામોને આ યોજનાનો લાભ મળશે.
આ નિર્ણયથી ગામડાના સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોને લગ્નપ્રસંગ, સામાજિક કે ધાર્મિક મેળાવડા માટે વ્યાજબી ભાડામાં આધુનિક સુવિધા મળી રહેશે. અટલવાડી યોજના હેઠળ પોતાના ગામમાં જ સુવિધા મળવાથી નાગરિકોના ખર્ચમાં પણ મોટી બચત થશે.
આ ઉપરાંત કુદરતી આપત્તિ, વાવાઝોડું, અતિવૃષ્ટિ સમયે શેડનો ઉપયોગ શેલ્ટર હોમ તરીકે પણ કરી શકાશે. આપત્તિ સમયે આ ભૌતિક માળખું ગ્રામજનો માટે સુરક્ષિત ‘શેલ્ટર હોમ’ તરીકે ઉપયોગમાં લઈ શકાશે.