બપોરે ચૂપચાપ 15-20 મીટર બદલી નાખતા લોકોમાં રોષ
વીજ કંપની સામે પોલીસ ફરિયાદ કરવાની તૈયારી દર્શાવી




( પ્રતિનિધિ )વડોદરા,તા.21
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા મલબાર વેલી કોમ્પલેક્ષના ટાવર-F માં વીજ મીટર બદલવાની કાર્યવાહી દરમિયાન મોટો વિવાદ સર્જાયો છે. રહીશોને જાણ કર્યા વગર મીટર બદલાતા સોસાયટીના રહીશોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલા મલબાર વેલી કોમ્પલેક્ષના રહીશોના આક્ષેપ મુજબ બપોરે 2 થી 2:30 વાગ્યાની આસપાસ જ્યારે લોકો ઘરમાં આરામ કરી રહ્યા હતા અને મોટાભાગે મહિલાઓ જ હાજર હતી ત્યારે, જીઈબીના કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ ચૂપચાપ 15 થી 20 મીટર બદલી નાખ્યા હતા. સફાઈ સેવકને જાણ થતા તેણે તમામ સભ્યોને માહિતી આપી હતી. ત્યારબાદ મોટી સંખ્યામાં રહેવાસીઓ એકત્રિત થયા અને કાર્યવાહીનો વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ વધતા મીટર બદલવા આવેલા કર્મચારીઓએ પોલીસને જાણ કરી હતી. જેથી મકરપુરા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. કર્મચારીઓએ રહેવાસીઓને પોલીસ સ્ટેશન આવવા જણાવ્યું હતું. કોઈ સત્તાવાર માહિતી આપી નથી અને સ્માર્ટ મીટરની અમને જરૂરિયાત નથી. રહેવાસીઓનું કહેવું છે કે, સરકાર તરફથી સ્માર્ટ મીટર ફરજિયાત નથી, તે મરજિયાત છે. કોન્ટ્રાકટના માણસોએ દુર્વ્યવહાર કર્યો હોવાનો પણ આક્ષેપ છે. મલબાર વેલીના રહેવાસીઓ મકરપુરા પોલીસ સ્ટેશને સંયુક્ત રીતે વીજ કંપની સામે એફઆઈઆર કરાવવાની તૈયારીમાં દાખવી હતી. સ્થાનિક રહીશોએ પારદર્શક પ્રક્રિયા અને પૂર્વ સૂચના આપવાની માંગ ઉઠાવી છે. હાલ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો હતો.