અમદાવાદ
ઓલ ઇન્ડિયા કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા ગેરકાયદેસર ઇ-ફાર્મસી બંધ કરાવવા અને ઓનલાઇન દવાઓના વેચાણ પર કડક નિયંત્રણ લાદવાની માંગ સાથે આવતીકાલે તા 20 મેના રોજ દેશવ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ હડતાળમાં ગુજરાતના આશરે 35 હજાર દવાના વેપારીઓ સહિત દેશભરના 12 લાખથી વધુ કેમિસ્ટ્સ અને ડ્રગિસ્ટ્સ જોડાશે અને પોતાના મેડિકલ સ્ટોર્સ એક દિવસ માટે બંધ રાખશે.
ઓનલાઇન ફાર્મસી સહિતના વિવિધ મુદ્દાઓ અંગે આવતીકાલે રાજ્યભરના મેડિકલ સ્ટોર્સ સંચાલકો પોતાની દવાની દુકાનો બંધ રાખીને એક દિવસ માટે પ્રતિકાત્મક બંધ પડશે. જ્યારે અમદાવાદ કેમિસ્ટ એસોસિયેશન દ્વારા એલિસબ્રિજ ખાતે વિરોધ પ્રદર્શન, ધારણા કરશે.
ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગ્સ એસોસિએશનના અગ્રણી જશુભાઈ પટેલએ જણાવ્યું હતું કે ઓનલાઇન પ્લેટફોર્મ પર કોડીન સિરપ, આલ્ફાજોલમ, ટ્રામાડોલ, નાઈટ્રાજેપમ અને ડાયાજેપામ જેવી નશાકારક દવાઓ સરળતાથી ઉપલબ્ધ બની રહી છે, જેના કારણે યુવાધન નશાની લત તરફ ધકેલાઈ રહ્યું છે. તેમણે ડુપ્લિકેટ દવાઓના વેચાણથી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થઈ રહ્યા હોવાની ચિંતા પણ વ્યક્ત કરી હતી.
એસોસિએશ દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ અનેકવાર લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ સકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી. સરકાર ઓનલાઇન ફાર્મસી માટે કડક નિયમો અમલમાં લાવવામાં નિષ્ફળ રહી છે.
જશુભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ઈમરજન્સીમાં કોઈ દર્દીને દવા વગર હેરાન ન થવું પડે તે માટે ઈમરજન્સી મેડકિલ સ્ટોર્સ ખુલ્લા રાખવામાં આવશે. અમારી લડાઈ દર્દી સાથે નથી.
નાગરિકોને જીવન જરૂરી દવાઓ વિવિધ સ્થળેથી ઉપલબ્ધ થશે
ઓલ ઇન્ડિયા કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવેલ આવતીકાલ તા. ૨૦ મેના રોજ દવાના મેડીકલ સ્ટોર્સના રાષ્ટ્રવ્યાપી બંધના અનુસંધાને જાહેર જનતાને દવાઓ ખરીદવામાં તકલીફ ના પડે અને જીવન જરૂરી દવાઓ સરળતાથી મળી રહે તે માટે તમામ હોસ્પિટલોના સંલંગ્ન મેડીકલ સ્ટોર્સ, પ્રધાનમંત્રી જન ઔષધીના તમામ સ્ટોર્સ તેમજ તમામ સિવિલ હોસ્પિટલ, સી.એચ.સી./પી.એચ.સી.ને સંલંગ્ન મેડીકલના સ્ટોર્સ ખુલ્લા રહેશે.
જાહેર જનતાને ઇમરજન્સીમાં દવા મેળવવામાં તકલીફ પડે તો જે – તે જિલ્લાની ખોરાક અને ઔષધ નિયમન તંત્રની જિલ્લા કચેરીના મદદનીશ કમિશનરનો સંપર્ક કરી શકે છે.