દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર નવી વોલ્વો સેવા શરૂ; મુસાફરોના સમય અને ભાડામાં થશે બચત
ગાંધીનગર
રાજયના એસટી નિગમ દ્વારા પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ડે સીએમ હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ અમદાવાદથી ભાવનગર વચ્ચે દોડતી તમામ પ્રીમીયમ એસી બસો હવે નવનિર્મિત અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવે પરથી સંચાલિત કરવામાં આવશે.
આ ઉપરાંત, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પરથી નવી નોનસ્ટોપ વોલ્વો સેવા પણ શરૂ કરવામાં આવી છે, જેના કારણે પ્રવાસીઓને સમય અને ભાડા બંનેમાં રાહત મળશે.નવી વ્યવસ્થા મુજબ અમદાવાદ અને ભાવનગર વચ્ચે સવારે 5 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી દર કલાકે દોડતી કુલ 24 ટ્રિપો હવે ધોલેરા એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થશે. સાથે જ ગાંધીનગરથી દીવ અને ગાંધીનગરથી મહુવા રૂટની તમામ બસો પણ આ નવા માર્ગ પરથી દોડશે.આ નિર્ણયથી અમદાવાદથી ભાવનગર વચ્ચેનું ભાડું ઘટીને હવે રૂ. 336 નક્કી કરવામાં આવ્યું છે, જેના કારણે મુસાફરોને અંદાજે રૂ. 15 સુધીનો લાભ મળશે.
બીજી તરફ, કેન્દ્ર સરકાર દ્વારા વિકસિત દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પરથી નવી વોલ્વો સેવા શરૂ કરવામાં આવી છે. તેના ભાગરૂપે સવારે 6:45 કલાકે અમદાવાદના નહેરુનગરથી સુરત માટે અને બપોરે 1 વાગ્યે સુરતથી નહેરુનગર માટે નોનસ્ટોપ વોલ્વો બસ દોડશે.આ નવા રૂટને કારણે નહેરુનગરથી સુરતનું ભાડું રૂ. 687 નક્કી કરવામાં આવ્યું છે, જેમાં મુસાફરોને અંદાજે રૂ. 61 જેટલો ભાડા ઘટાડાનો લાભ મળશે.પ્રવાસીઓ આ તમામ રૂટ્સ માટેનું એડવાન્સ ઓનલાઈન બુકિંગ GSRTC સત્તાવાર વેબસાઇટ તેમજ GSRTC App મારફતે કરી શકશે.એસ.ટી. નિગમે મુસાફરોને આ આધુનિક, ઝડપી અને સુવિધાજનક પ્રીમીયમ બસ સેવાઓનો મહત્તમ લાભ લેવા અપીલ કરી છે.