Gujarat

ગુજરાતની જળ સુરક્ષા માટે ઐતિહાસિક કદમ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી ‘કલ્પસર યોજના’ને મળી નેધરલેન્ડ્સની ટેક્નોલૉજીની નવી પાંખો

  • ​ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે આશયપત્ર (LoI) પર હસ્તાક્ષર: ખંભાતના અખાતમાં સાકાર થશે વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ
  • ​નેધરલેન્ડ્સના વિશ્વપ્રસિદ્ધ ‘અફસ્લુઇટડિજ્ક’ ડેમની ટેક્નોલૉજીનો લાભ ગુજરાતને મળશે
  • ​સૌરાષ્ટ્રના 9 જિલ્લાના 42 તાલુકાની 10 લાખ હેક્ટર જમીનને મળશે સિંચાઈનો લાભ; દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેનું અંતર 180 કિમી ઘટશે

ગાંધીનગર

ગુજરાતની જળ જરૂરિયાતોને કાયમી ધોરણે પૂર્ણ કરવા અને લાંબા ગાળાની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ‘કલ્પસર યોજના’ને સાકાર કરવાની દિશામાં એક મોટી અને ઐતિહાસિક સફળતા મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેધરલેન્ડ્સ પ્રવાસ દરમિયાન આ મહત્વાકાંક્ષી યોજના માટે ટેકનિકલ સહયોગ અંગેના આશયપત્ર (Letter of Intent – LoI) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ભાગીદારીથી હવે ગુજરાતને જળ સંસાધન અને સમુદ્રમાં ડેમ નિર્માણ ક્ષેત્રે નેધરલેન્ડ્સની વૈશ્વિક કક્ષાની ટેકનિકલ કુશળતા અને નિપુણતાનો સીધો લાભ મળશે, જેનાથી સરદાર સરોવર ડેમ પરની નિર્ભરતા ઘટશે.

​વડાપ્રધાને વિશ્વપ્રસિદ્ધ ‘અફસ્લુઇટડિજ્ક’ ડેમની મુલાકાત લીધી

​પોતાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે નેધરલેન્ડ્સના વડાપ્રધાન રોબ જેટન સાથે ત્યાંના 80 વર્ષ જૂના અને વિશ્વપ્રસિદ્ધ બેરિયર ડેમ ‘અફસ્લુઇટડિજ્ક’ (Afsluitdijk)ની મુલાકાત લીધી હતી અને તેની અદભૂત ટેક્નોલૉજીને વૈશ્વિક સ્તરે ઉદાહરણરૂપ ગણાવી હતી. ઉલ્લેખનીય છે કે નેધરલેન્ડ્સના આ 32 કિલોમીટર લાંબા ડેમ અને ગુજરાતની કલ્પસર યોજના વચ્ચે અઢળક સમાનતાઓ છે. તે સમુદ્રના ખારા પાણીને રોકીને અંદર મીઠા પાણીનું મોટું જળાશય બનાવે છે.

​આ મુલાકાત દરમિયાન વડાપ્રધાનની ઉપસ્થિતિમાં ભારતના જળ શક્તિ મંત્રાલય અને નેધરલેન્ડ્સના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વૉટર મેનેજમેન્ટ મંત્રાલય વચ્ચે ટેકનિકલ સહયોગ માટેના આશયપત્ર (LoI) પર હસ્તાક્ષર થયા હતા, જે 29 માર્ચ, 2022ના રોજ થયેલી ‘જળ પર ભારત-ડચ વ્યૂહાત્મક ભાગીદારી’ પર આધારિત છે.

​શું છે કલ્પસર યોજના અને તેનો ઇતિહાસ ?

​કલ્પસર યોજના હેઠળ ખંભાતના અખાતમાં એક વિશાળ ડેમ બાંધીને સમુદ્રને મળતી સાત નદીઓના પાણીનો સંગ્રહ કરીને મીઠા પાણીનું એક વિરાટ જળાશય બનાવવાની યોજના છે. આ સાથે જ ભરતીથી ઊર્જા ઉત્પાદન, સિંચાઈ અને પરિવહન માળખાનો સમકલિત વિકાસ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
​વર્ષ 2004માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કલ્પસર ડેમની રૂપરેખા નિર્ધારિત કરવા માટે ભાવનગર ખાતે દરિયાઈ સર્વેક્ષણનો ઐતિહાસિક પ્રારંભ કરાયો હતો. આ યોજના ટેકનિકલી અત્યંત જટિલ હોવાથી તેમાં અનેક અવરોધો આવ્યા હતા. પરંતુ રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો સતત ચાલુ રખાયા છે, જેના ભાગરૂપે તાજેતરમાં 30 માર્ચ, 2026ના રોજ ગાંધીનગર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલે નેધરલેન્ડ્સના રાજદૂત સુશ્રી મારિસા ગેરાર્ડ્સ સાથે બેઠક યોજી ‘ઇન્ડો-ડચ’ નિષ્ણાત સમૂહની રચના અને G2G ભાગીદારી અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. નેધરલેન્ડ્સની વિશ્વ વિખ્યાત સંસ્થા રોયલ હાસ્કોનિંગે કલ્પસરના વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR)ની ‘ક્લોઝર મેથડોલોજી’ પર મહત્વનું કાર્ય કર્યું છે.

​કલ્પસર યોજનાથી ગુજરાતને થનારા લાભો

  • ​વ્યાપક સિંચાઈ: સૌરાષ્ટ્રના 9 જિલ્લાના 42 તાલુકાઓમાં અંદાજે 10 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈની સુવિધા મળશે.
  • ​અંતરમાં મોટો ઘટાડો: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેનું રોડ અંતર 240 કિલોમીટરથી ઘટીને માત્ર 60 કિલોમીટર રહી જશે (180 કિમીની બચત).
  • ​ગ્રીન એનર્જીનું ઉત્પાદન: પ્રોજેક્ટ થકી અંદાજે 1500 મેગાવોટ પવન ઊર્જા અને 1000 મેગાવોટ સૌર ઊર્જા જેવા નવીનીકરણીય સ્ત્રોતોનું ઉત્પાદન થશે.
  • ​આર્થિક વિકાસ: પ્રોજેક્ટ સાકાર થતાં જ દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રવાસન (Tourism) અને મત્સ્યઉદ્યોગ (Fisheries)ના વિકાસને મોટો વેગ મળશે.

​ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વડાપ્રધાનની આ મુલાકાત બંને દેશોની જળ વ્યવસ્થાપન, જળવાયુ અનુકૂલન અને ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સાથે મળીને કાર્ય કરવાની સંયુક્ત પ્રતિબદ્ધતા દર્શાવે છે. નેધરલેન્ડ્સ પોતાના 90 વર્ષથી વધુના ડેમ નિર્માણના અનુભવ અને ટેકનિકલ નિપુણતાનો લાભ ભારતને આપશે, જે ગુજરાતના જળ-સમૃદ્ધ ભવિષ્ય માટે સુવર્ણ સમાન સાબિત થશે.

Most Popular

To Top