National

ઓનલાઇન દવાઓના વેચાણથી કેમિસ્ટમાં રોષ, 20 મેના રોજ ભારત બંધનું એલાન

દેશભરના કેમિસ્ટ અને દવા વેપારીઓએ 20 મે 2026ના રોજ રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન કર્યું છે. આ હડતાલનો મુખ્ય હેતુ ઓનલાઈન ફાર્મસીમાં વધી રહેલી ગેરરીતિઓ, ડુપ્લીકેટ દવાઓના વેચાણ અને દવા વ્યવસાયમાં ઉભી થયેલી અસમાન સ્પર્ધાનો વિરોધ કરવાનો છે. જામનગર સહિત સમગ્ર દેશમાં અંદાજે 12.50 લાખ કેમિસ્ટ આ બંધમાં જોડાશે. જામનગર કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ નિર્ણય માત્ર વેપારના હિત માટે નહીં પરંતુ દર્દીઓની સુરક્ષા, અસલી દવાઓની ઉપલબ્ધતા અને આરોગ્ય વ્યવસ્થાની વિશ્વસનીયતા જાળવી રાખવા માટે લેવામાં આવ્યો છે. સંગઠનનું કહેવું છે કે ઓનલાઈન દવા વેચાણમાં પૂરતા નિયંત્રણોના અભાવે લોકોના આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થઈ રહ્યું છે.

આ વિરોધનો સૌથી મોટો મુદ્દો જી.એસ.આર. 817(ઇ) નિયમ છે, જે 28 ઓગસ્ટ 2018ના રોજ લાગુ કરવામાં આવ્યો હતો. આ નિયમથી ઈ-ફાર્મસી અને ઓનલાઈન દવાઓના વેચાણને પ્રોત્સાહન મળ્યું હતું. જોકે, કેમિસ્ટ સંગઠનોનો આરોપ છે કે ઘણા ઓનલાઈન પ્લેટફોર્મ્સ નિયમોનું પાલન કર્યા વિના દવાઓ વેચી રહ્યા છે. કેટલાક કિસ્સાઓમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર જ દવાઓ ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. કેમિસ્ટોના મતે, ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર સમયમર્યાદા નજીકની દવાઓ અથવા શંકાસ્પદ ગુણવત્તાવાળી દવાઓ વેચાવાની શક્યતા વધી ગઈ છે. આ ઉપરાંત ડુપ્લીકેટ અને ભેળસેળયુક્ત દવાઓનું વેચાણ પણ એક મોટી સમસ્યા બની રહ્યું છે. જેના કારણે દર્દીઓના આરોગ્યને સીધો ખતરો ઉભો થઈ રહ્યો છે. સંગઠને જી.એસ.આર. 220(ઇ) નિયમ અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે આ નિયમોના ગેરઉપયોગથી બિનઅધિકૃત સપ્લાય ચેઇન મારફતે નકલી દવાઓ બજારમાં પહોંચી રહી છે. આવી દવાઓ દર્દીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

કેમિસ્ટ એસોસિએશનનું વધુ એક મોટું આક્ષેપ એ છે કે મોટા કોર્પોરેટ ગ્રુપ્સ અને ઓનલાઈન ફાર્મસી કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. જેના કારણે નાના અને મધ્યમ કદના મેડિકલ સ્ટોર્સના વ્યવસાય પર ગંભીર અસર પડી રહી છે. તેઓ માને છે કે માત્ર સસ્તી કિંમતના નામે લોકોના આરોગ્ય સાથે મોટો ખેલ થઈ રહ્યો છે. આ કારણોસર સંગઠને કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે જી.એસ.આર. 817(ઇ) અને જી.એસ.આર. 220(ઇ) જેવા નિયમોને પાછા ખેંચવામાં આવે અને ઓનલાઈન ફાર્મસી માટે કડક અને સમાન નિયમો લાગુ કરવામાં આવે. બંધને ધ્યાનમાં રાખીને જામનગર કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશને નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પોતાની નિયમિત અને જરૂરી દવાઓ અગાઉથી જ ખરીદી લે. સંગઠને દર્દીઓને થનારી અસુવિધા બદલ દિલગીરતા વ્યક્ત કરી છે, પરંતુ જણાવ્યું છે કે આ પગલું દર્દીઓના હિત માટે અનિવાર્ય છે.

જોકે, ઇમરજન્સી સેવાઓ ચાલુ રહે તે માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જામનગરમાં કેટલીક હોસ્પિટલ ફાર્મસી અને મેડિકલ સ્ટોર્સ 20 મેના રોજ કાર્યરત રહેશે. તેમાં સોહમ મેડિકલ (સમર્પણ હોસ્પિટલ), ઓશવાલ હોસ્પિટલ ફાર્મસી, રીયા મેડિસિન, યુનિક મેડિકલ, રીમ મેડિકલ, જનતા મેડિકલ સ્ટોર્સ અને શાલિગ્રામ મેડિકલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ICU યુનિટ્સ અને તાલુકા સ્તરે પણ એક-એક મેડિકલ સ્ટોર ઇમરજન્સી માટે ખુલ્લો રાખવામાં આવશે. કેમિસ્ટ સંગઠને ડુપ્લીકેટ દવા સામે લડત, દર્દીઓની સુરક્ષા માટે સંકલ્પના સૂત્ર સાથે આ આંદોલન શરૂ કર્યું છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ વિરોધને કેટલું ગંભીરતાથી લે છે અને ઓનલાઈન ફાર્મસી સંબંધિત નિયમોમાં કોઈ ફેરફાર કરે છે કે નહીં.

Most Popular

To Top