SURAT

ઉધનામાં ભાજપ નેતાની ધોળા દિવસે હત્યા, પરિવારનો આરોપ- પાસામાંથી છૂટેલા શખ્સોએ લીધો બદલો

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના ઉધના વિસ્તારમાં ભાજપ યુવા મોરચાના સક્રિય નેતા અને ડીંડોલી વોર્ડના ઉપપ્રમુખ જય દલાલની જાહેરમાં હત્યા કરવામાં આવતા સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે. ધોળા દિવસે બનેલી આ ઘટનાએ માત્ર રાજકીય વર્તુળમાં જ નહીં પરંતુ સામાન્ય નાગરિકોમાં પણ ભયનો માહોલ ઉભો કર્યો છે. મળતી માહિતી મુજબ, ડીંડોલી વિસ્તારમાં રહેતા જય દલાલ ઉધના રોડ નંબર-6 વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ચાર જેટલા અજાણ્યા શખ્સોએ તેમને ઘેરી લીધા હતા. આરોપીઓએ તીક્ષ્ણ હથિયારો વડે તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલો એટલો ક્રૂર હતો કે જય દલાલ ગંભીર રીતે લોહીલુહાણ થઈ ગયા હતા.

ઘટના બાદ સ્થાનિક લોકો અને પોલીસની મદદથી તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમની સ્થિતિ વધુ ગંભીર બનતા અંતે તેમનું મોત નિપજ્યું હતું. યુવા ભાજપ નેતાના આકસ્મિક અને કરૂણ મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૃતક જય દલાલ ભાજપના મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલના પુત્ર હતા. તેઓ સુરતના લીંબાયત વિસ્તારના ધારાસભ્ય સંગીતાબેન પાટીલના નજીકના કાર્યકર તરીકે પણ ઓળખાતા હતા. રાજકીય પરિવારમાંથી આવતા જય દલાલ પોતે પણ પક્ષમાં સક્રિય હતા અને યુવા મોરચામાં મહત્વની જવાબદારી સંભાળી રહ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસ સહિતનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે અને હુમલાખોરોને ઝડપવા માટે અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે. પોલીસ હાલમાં હત્યા પાછળનું સાચું કારણ શોધવાનો પ્રયાસ કરી રહી છે. આ હુમલો અંગત અદાવતને કારણે થયો હતો કે પછી તેની પાછળ કોઈ રાજકીય કારણ છે તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

આ દરમિયાન મૃતકની માતા જયશ્રીબેન દલાલે મીડિયા સમક્ષ ભાવુક નિવેદન આપ્યું હતું. રડતા અવાજે તેમણે જણાવ્યું કે તેમનો 21 વર્ષનો એકનો એક પુત્ર રાત્રે આશરે સાડા આઠ વાગ્યે મિત્રનો ફોન આવતા ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ મધરાતે તેમને ફોન આવ્યો કે જય પર હુમલો થયો છે અને તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેઓ હોસ્પિટલ પહોંચ્યા ત્યાં સુધીમાં પુત્રનું મોત થઈ ચૂક્યું હતું. જયશ્રીબેને આરોપ લગાવ્યો છે કે મિલિંદ કોળી, પંકજ પાટીલ, કિશન પરમાર સહિતના કેટલાક શખ્સોએ તેમના પુત્ર પર હુમલો કર્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, આરોપીઓ તાજેતરમાં જ પાસામાંથી બહાર આવ્યા હતા અને તેમને એવી શંકા હતી કે જયના કારણે જ તેઓ જેલમાં ગયા હતા. આ અદાવત રાખીને તેમણે જયની હત્યા કરી હોવાનું પરિવારનો આક્ષેપ છે.

માતાએ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરતા કહ્યું કે આવા ગુનેગારોને ફાંસીની સજા થવી જોઈએ જેથી ભવિષ્યમાં અન્ય કોઈ માતાનો દીકરો આ રીતે છીનવાઈ ન જાય. સુરતમાં સત્તાધારી પક્ષના જ યુવા નેતાની આ રીતે જાહેરમાં હત્યા થતાં શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ફરી સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજકીય આગેવાનો અને કાર્યકરો હોસ્પિટલ તેમજ પરિવારના ઘરે પહોંચી પરિવારને સાંત્વના આપી રહ્યા છે. હાલ પોલીસે આરોપીઓને ઝડપવા માટે તપાસ વધુ તેજ બનાવી છે. હવે જોવાનું એ રહેશે કે આ હત્યાના આરોપીઓ કેટલી ઝડપથી કાયદાની પકડમાં આવે છે અને આ સમગ્ર ઘટનાનું સાચું કારણ શું બહાર આવે છે.

Most Popular

To Top