વી.ડી. સતીશન મુખ્યમંત્રી તરીકે લેશે શપથ, 20 મંત્રીઓ પણ સંભાળશે પદયુડીએફની દાયકાબાદ સત્તામાં વાપસી, નવા કેબિનેટમાં 14 નવા ચહેરાઓને સ્થાન; વિભાગોની વહેંચણીને લઈને અંતિમ ચર્ચા ચાલુ
કેરળની રાજનીતિમાં ઐતિહાસિક ફેરફાર બાદ આજે રાજ્યમાં નવી સરકાર શપથ લેશે. કોંગ્રેસની આગેવાની હેઠળની યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) સરકારે દસ વર્ષ બાદ સત્તામાં વાપસી કરી છે અને વી.ડી. સતીશન આજે કેરળના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેમની સાથે 20 મંત્રીઓનો કેબિનેટ પણ શપથગ્રહણ કરશે. શપથવિધિ સમારોહ તિરુવનંત પુરમના સેન્ટ્રલ સ્ટેડિયમ ખાતે ભવ્ય આયોજન વચ્ચે યોજાશે.
વી.ડી. સતીશને રવિવારે સાંજે પોતાના નવા મંત્રીમંડળની જાહેરાત કરી હતી. કુલ 21 સભ્યોના કેબિનેટમાં મુખ્યમંત્રી સહિત 20 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે આ કેબિનેટમાં 14 નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે બે મહિલા નેતાઓને પણ મંત્રીપદ મળ્યું છે. સાથે જ અનુસૂચિત જાતિના બે પ્રતિનિધિઓને પણ કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે, જેને સામાજિક સંતુલન તરફનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.
નવી સરકારમાં કોંગ્રેસે સૌથી વધુ મંત્રાલય મેળવ્યા છે. યુડીએફના સહયોગી પક્ષો ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML), કેરળ કોંગ્રેસ અને અન્ય સાથી પક્ષોને પણ પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. કેબિનેટ રચનાને લઈને છેલ્લા કેટલાક દિવસોથી સતત બેઠકો અને ચર્ચાઓ ચાલી રહી હતી. વિવિધ પક્ષો વચ્ચે મંત્રાલય વહેંચણીને લઈને ભારે ચર્ચા થઈ હતી અને આખરે સંતુલન સાધીને મંત્રીમંડળ તૈયાર કરવામાં આવ્યું હોવાનું સૂત્રો જણાવે છે.
રાજ્યપાલ રાજેન્દ્ર અર્લેકરને મંત્રીઓની યાદી સોંપ્યા બાદ વી.ડી. સતીશને નવા મંત્રીમંડળની સત્તાવાર જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર યુડીએફ સરકાર એકસાથે શપથ લેશે. લગભગ છેલ્લા છ દાયકામાં પ્રથમ વખત એવું બનવા જઈ રહ્યું છે કે યુડીએફનું સંપૂર્ણ મંત્રીમંડળ એકસાથે શપથગ્રહણ કરશે. આ નિર્ણયને યુડીએફ સરકારની એકતા અને સંકલનનું પ્રતિક માનવામાં આવી રહ્યું છે.
નવી સરકારમાં કોંગ્રેસને મુખ્યમંત્રી પદ ઉપરાંત કુલ 11 મંત્રીપદ મળ્યા છે. જ્યારે ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML)ને 5 મંત્રીપદ ફાળવવામાં આવ્યા છે. ઉપરાંત કેરળ કોંગ્રેસ (જોઝેફ), રેવોલ્યુશનરી સોશ્યાલિસ્ટ પાર્ટી (RSP), કેરળ કોંગ્રેસ (જેકબ) અને કમ્યુનિસ્ટ માર્ક્સિસ્ટ પાર્ટી (CMP)ને એક-એક મંત્રીપદ આપવામાં આવ્યું છે.કોંગ્રેસ તરફથી રમેશ ચેન્નિથલા, સની જોસેફ, કે. મુરલીધરન, એ.પી. અનિલકુમાર, પી.સી. વિશ્નુનાથ, બિંદુ કૃષ્ણા, એમ. લિજ્જુ, ટી. સિદ્દીક, રોઝી એમ. જોન, કે.એ. થુલસી અને ઓ.જે. જનીશને મંત્રી બનાવવામાં આવ્યા છે.
જ્યારે IUML તરફથી પી.કે. કુન્હાલીકુટ્ટી, કે.એમ. શાજી, એન. શમસુદ્દીન, પી.કે. બશીર અને વી.ઈ. અબ્દુલ ગફૂરને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે.આ ઉપરાંત કેરળ કોંગ્રેસ (જોઝેફ) તરફથી મોન્સ જોસેફ, કેરળ કોંગ્રેસ (જેકબ) તરફથી અનુપ જેકબ, RSP તરફથી શિબુ બેબી જોન અને CMP તરફથી સી.પી. જોનને પણ મંત્રીપદ આપવામાં આવ્યું છે.નવી સરકારમાં અનુભવી નેતાઓ અને નવા ચહેરાઓનું સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે. ખાસ કરીને વિવિધ સમાજ અને વિસ્તારોનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા યુડીએફે વ્યૂહાત્મક રીતે મંત્રીમંડળની રચના કરી હોવાનું કહેવાઈ રહ્યું છે,
મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહેલા વી.ડી. સતીશન માટે આ રાજકીય કારકિર્દીનો સૌથી મોટો મુકામ માનવામાં આવી રહ્યો છે. 2026ની વિધાનસભા ચૂંટણીમાં યુડીએફે જોરદાર પ્રદર્શન કરીને 140માંથી 102 બેઠકો જીતતા સત્તા હાંસલ કરી હતી. ડાબેરી ગઠબંધન LDFને દાયકાબાદ સત્તાથી બહાર થવું પડ્યું હતું. સતીશને પરાવુર બેઠક પરથી મોટી જીત મેળવી હતી અને ત્યારબાદ કોંગ્રેસ હાઈકમાન્ડે તેમને મુખ્યમંત્રી પદ માટે પસંદ કર્યા હતા.
શપથવિધિ સમારોહમાં કોંગ્રેસના ટોચના નેતાઓ સહિત અનેક મહાનુભાવો હાજરી આપવાના છે. માહિતી અનુસાર રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ સમારોહમાં હાજરી આપશે. ઉપરાંત કોંગ્રેસ શાસિત રાજ્યોના કેટલાક મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓ પણ કેરળ પહોંચ્યા છે. સમારોહને લઈને સેન્ટ્રલ સ્ટેડિયમમાં સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાના કડક બંદોબસ્ત કરવામાં આવ્યા છે.
નવી કેબિનેટમાં રમેશ ચેન્નિથલા, કે. મુરલીધરન, પી.કે. કુન્હાલીકુટ્ટી, શિબુ બેબી જોન, મોન્સ જોસેફ, અનુપ જેકબ, પી.સી. વિશ્નુનાથ, બિંદુ કૃષ્ણા, રોઝી એમ. જોન સહિતના નેતાઓને સ્થાન મળ્યું છે. મંત્રાલયોની અંતિમ વહેંચણી હજી જાહેર કરવામાં આવી નથી અને શપથવિધિ બાદ રાજ્યપાલને વિભાગોની યાદી સોંપવામાં આવશે. ત્યારબાદ સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.
રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે કેબિનેટમાં વિભાગોની વહેંચણીને લઈને કોંગ્રેસના અલગ-અલગ ગૃપોમાં અંતિમ ક્ષણ સુધી ચર્ચા ચાલી રહી હતી. ખાસ કરીને કેટલાક મહત્વપૂર્ણ મંત્રાલયોને લઈને નેતાઓ વચ્ચે દાવેદારી જોવા મળી હતી. અહેવાલો મુજબ કે.સી. વેણુગોપાલનો કેબિનેટ રચનામાં મહત્વપૂર્ણ પ્રભાવ રહ્યો છે અને તેમના સમર્થકોને અનેક મહત્વપૂર્ણ ખાતાં મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
શપથવિધિ બાદ નવી સરકાર તરત જ કાર્યભાર સંભાળશે. નવા મંત્રીમંડળની પ્રથમ બેઠક પણ આજે જ યોજાઈ શકે છે. તેમાં વિધાનસભાનું સત્ર બોલાવવાની ભલામણ સહિતના મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે. માહિતી અનુસાર નવા ધારાસભ્યો 21 મેના રોજ શપથ લેશે જ્યારે સ્પીકરની ચૂંટણી 22 મેના રોજ યોજાઈ શકે છે. રાજ્યપાલનું સંબોધન 29 મેના રોજ અને રાજ્યનું બજેટ જૂનની શરૂઆતમાં રજૂ થવાની સંભાવના છે.કેરળમાં યુડીએફની વાપસી સાથે રાજ્યની રાજનીતિમાં નવા અધ્યાયની શરૂઆત માનવામાં આવી રહી છે. હવે સૌની નજર નવી સરકારના પ્રદર્શન અને મુખ્યમંત્રી વી.ડી. સતીશનની આગેવાની પર રહેશે.