રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર-2’ને લઈને હવે પાકિસ્તાનમાં પણ જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો હોવાના દાવાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ફિલ્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થતાં જ પાકિસ્તાનમાં લોકો રાતભર જાગીને ફિલ્મ જોતા રહ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પાકિસ્તાની કન્ટેન્ટ ક્રિએટર માવિયા ઉમર ફારૂકીએ તો એવો પણ દાવો કર્યો છે કે ફિલ્મ રિલીઝ થયા બાદ નેટફ્લિક્સનું સર્વર ક્રેશ થઈ ગયું હતું. જોકે, આ અંગે નેટફ્લિક્સ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. છતાં સોશિયલ મીડિયા પર ‘ધુરંધર-2’ની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે અને ફિલ્મને લઈને પાકિસ્તાનમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
પાકિસ્તાની સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર માવિયા ઉમર ફારૂકીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને કહ્યું કે પાકિસ્તાનમાં લોકો 15 મેની મધરાતથી જ ફિલ્મ રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મ OTT પર આવતા જ મોટી સંખ્યામાં લોકોએ એકસાથે સ્ટ્રીમિંગ શરૂ કર્યું અને તેના કારણે સર્વર પર ભારે લોડ આવ્યો હોવાનું તેણે જણાવ્યું. વીડિયોમાં તેણે કહ્યું કે ફિલ્મને લઈને પાકિસ્તાનમાં વિવાદ અને પ્રોપેગન્ડાની ચર્ચા હોવા છતાં લોકોની ઉત્સુકતા ખૂબ જ વધારે હતી. દર્શકો ખાસ કરીને જાણવા માગતા હતા કે ફિલ્મમાં પાકિસ્તાન અને લ્યારી સાથે જોડાયેલા દ્રશ્યો કેવી રીતે બતાવવામાં આવ્યા છે અને રણવીર સિંહે પોતાનો રોલ કેટલો જબરદસ્ત ભજવ્યો છે.
માવિયાએ અન્ય એક વીડિયોમાં એવો પણ દાવો કર્યો કે ‘ધુરંધર-2’ને પાકિસ્તાનમાં માત્ર 24 કલાકમાં 20 કરોડ વ્યૂ મળ્યા છે અને તે દેશની નંબર-1 ટ્રેન્ડિંગ ફિલ્મ બની ગઈ છે. જોકે, આ આંકડાઓની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી, પરંતુ સોશિયલ મીડિયા પર આ દાવાઓ ભારે વાયરલ થઈ રહ્યા છે. ઘણા યુઝર્સ ફિલ્મને લઈને ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો આ આંકડાઓને વધારેલા ગણાવી રહ્યા છે. ફિલ્મ પાકિસ્તાનમાં ‘ધુરંધર: ધ રિવેન્જ (રો એન્ડ અનદેખા)’ નામથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે. ખાસ વાત એ છે કે પાકિસ્તાનમાં રિલીઝ થયેલું વર્ઝન અનકટ હોવાનું કહેવાય છે. આ વર્ઝનમાં લગભગ 3 મિનિટના નવા એક્શન સીન અને કેટલાક રો ફૂટેજ ઉમેરાયા છે, જે ભારતીય થિયેટર વર્ઝનમાં જોવા મળ્યા નહોતા. એટલે પાકિસ્તાન સહિત અન્ય દેશોના દર્શકોને ફિલ્મનું વધુ લાંબું અને અલગ વર્ઝન જોવા મળી રહ્યું છે.
ભારતમાં આ ફિલ્મ હજુ નેટફ્લિક્સ પર ઉપલબ્ધ નથી. ભારત માટે ફિલ્મના ડિજિટલ રાઇટ્સ જિયો-હોટસ્ટાર પાસે છે અને ત્યાં તેનું પ્રીમિયર 4 જૂન 2026ના રોજ થશે. જિયો-હોટસ્ટારે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જાહેરાત કરી છે કે ફિલ્મ 4 જૂને સાંજે 7 વાગ્યે ડિજિટલ પ્રીમિયર કરશે. પોસ્ટમાં લખાયું હતું કે, “વાવાઝોડું બનીને જે આવી રહ્યો છે, તેને ધુરંધર કહેવાય છે.” બોક્સ ઓફિસ પર પણ ‘ધુરંધર-2’ ધમાકેદાર કમાણી કરી રહી છે. ફિલ્મે ભારતમાં અત્યાર સુધી અંદાજે 1144 કરોડનું નેટ કલેક્શન કર્યું છે, જ્યારે વિશ્વભરમાં તેનો ગ્રોસ બિઝનેસ 1795 કરોડ સુધી પહોંચી ગયો છે. ફિલ્મે પેઇડ પ્રિવ્યૂથી જ 75 કરોડની કમાણી કરીને રેકોર્ડ બનાવ્યો હતો. આ સાથે જ તેણે ‘બાહુબલી 2’ જેવી ફિલ્મોને પણ પાછળ છોડી દીધી હોવાનું કહેવાઈ રહ્યું છે. ફિલ્મ ફ્રેન્ચાઇઝીની કુલ કમાણી હવે 3000 કરોડને પાર પહોંચી ગઈ છે, જેના કારણે ‘ધુરંધર’ ભારતીય સિનેમાની સૌથી મોટી ફ્રેન્ચાઇઝીઓમાં સામેલ થઈ ગઈ છે. રણવીર સિંહ ઉપરાંત ફિલ્મમાં સંજય દત્ત, આર. માધવન, અર્જુન રામપાલ, સારા અર્જુન, ગૌરવ ગેરા અને બ્રજેન્દ્ર કાલા જેવા કલાકારો પણ મહત્વના રોલમાં જોવા મળે છે. ફિલ્મને જિયો સ્ટુડિયોઝ અને B62 સ્ટુડિયોઝ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.