World

ઈરાન પર ફરી હુમલાની તૈયારી? અમેરિકા-ઈઝરાયલે બનાવ્યું સિક્રેટ ટાર્ગેટ લિસ્ટ

મિડલ ઈસ્ટમાં ફરી એકવાર યુદ્ધના મોટા એંધાણ દેખાઈ રહ્યા છે. અહેવાલો મુજબ અમેરિકા અને ઈઝરાયલના ટોચના સૈન્ય અધિકારીઓએ ઈરાન પર સંભવિત હુમલા માટે ગુપ્ત તૈયારીઓ શરૂ કરી દીધી છે. કહેવાઈ રહ્યું છે કે બંને દેશોની સેનાઓ વચ્ચે ઈમરજન્સી બેઠકો યોજાઈ રહી છે અને ઈરાનના મહત્વના સૈન્ય તથા પરમાણુ મથકોની ટાર્ગેટ લિસ્ટ તૈયાર કરવામાં આવી રહી છે. આ દાવાઓએ સમગ્ર વિશ્વમાં ચિંતા વધારી દીધી છે. સૂત્રો મુજબ, અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) અને ઈઝરાયલી સૈન્ય અધિકારીઓ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોમાં સતત બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં ઈરાનના પરમાણુ પ્લાન્ટ્સ, મિસાઇલ સિસ્ટમ, કમાન્ડ સેન્ટર્સ અને સૈન્ય બેઝને લઈને ચર્ચા થઈ હોવાનું કહેવાય છે. અહેવાલોમાં તો એ પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આગામી થોડા અઠવાડિયામાં જ કોઈ મોટી સૈન્ય કાર્યવાહી થઈ શકે છે.

આ સમગ્ર તણાવની વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન પણ ચર્ચામાં છે. ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાન સાથે શાંતિ સ્થાપવાના પ્રયાસો લગભગ નિષ્ફળ રહ્યા છે. ખાસ કરીને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ મુદ્દે બંને દેશો વચ્ચે ભારે મતભેદ સર્જાયા છે. ઈરાન આ વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ પર વધારે નિયંત્રણ અને સંપ્રભુ અધિકારની માંગ કરી રહ્યું હતું, જેને અમેરિકા અને તેના સાથી દેશોએ સ્વીકારવાનો ઈનકાર કર્યો હોવાનું કહેવાય છે. ઈઝરાયલનું માનવું છે કે ઈરાન સામે અગાઉ થયેલી કાર્યવાહી સમય પહેલાં અટકાવી દેવામાં આવી હતી. ઈઝરાયલી નેતૃત્વ હવે ઈચ્છે છે કે ઈરાનના બચેલા પરમાણુ મથકો અને લાંબા અંતરની મિસાઇલ સિસ્ટમને સંપૂર્ણ રીતે નષ્ટ કરવામાં આવે. આ માટે ઈઝરાયલ અમેરિકા પર સતત દબાણ બનાવી રહ્યું હોવાનું આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સમાં જણાવાયું છે.

જો ખરેખર ઈરાન પર ફરી હુમલો થાય તો તેની અસર માત્ર મિડલ ઈસ્ટ સુધી મર્યાદિત નહીં રહે. ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ વિશ્વનો સૌથી મહત્વનો ઓઇલ ટ્રેડ રૂટ માનવામાં આવે છે. દુનિયાના મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલનો સપ્લાય આ દરિયાઈ માર્ગ પરથી પસાર થાય છે. યુદ્ધની સ્થિતિમાં અહીં સપ્લાય ખોરવાઈ શકે છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં ભારે ઉછાળો આવી શકે છે. વિશ્વના અર્થતંત્ર પર પણ તેની મોટી અસર થઈ શકે છે. ખાસ કરીને ભારત જેવા દેશો માટે આ પરિસ્થિતિ ચિંતાજનક બની શકે છે, કારણ કે ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ ઓઇલ આયાત કરે છે અને તેનો મોટો હિસ્સો ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ મારફતે જ આવે છે. જો ત્યાં સંઘર્ષ વધશે તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધુ વધારો થવાની શક્યતા પણ વધી શકે છે.

મિડલ ઈસ્ટના અન્ય દેશો પર પણ આ સંભવિત યુદ્ધની અસર પડી શકે છે. લેબેનોન, સીરિયા, યમન અને ઈરાક જેવા દેશોમાં પહેલેથી જ તણાવપૂર્ણ પરિસ્થિતિ છે. ઈરાન પર હુમલા બાદ આ સમગ્ર વિસ્તાર વધુ અસ્થિર બની શકે છે. હાલ સુધી અમેરિકા કે ઈઝરાયલ તરફથી સત્તાવાર રીતે કોઈ હુમલાની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ સૈન્ય સ્તરે ચાલી રહેલી તૈયારીઓ અને આંતરરાષ્ટ્રીય અહેવાલોએ વૈશ્વિક સ્તરે ચિંતા વધારી દીધી છે. હવે દુનિયાની નજર મિડલ ઈસ્ટની આગામી પરિસ્થિતિ પર ટકેલી છે.

Most Popular

To Top