અમદાવાદ: ગુજરાતમાં ઉનાળાએ આકરો મિજાજ ધારણ કર્યો છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 40 ડિ.સે.થી ઉપર પહોંચતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ગરમી ભાવનગરમાં નોંધાઈ હતી, જ્યાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે, પરંતુ ત્યારબાદ ખાસ ફેરફાર નહીં થાય. આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર જ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દરમિયાન, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 26 મે આસપાસ કેરળમાં પ્રવેશ કરવાની શક્યતા દર્શાવવામાં આવી છે. સાથે જ બંગાળની ખાડી અને આંદામાન-નિકોબાર વિસ્તારમાં ચોમાસાની આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદમાં 44 ડિ.સે, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર અને વલ્લભ વિદ્યાનગરમાં 43 ડિ.સે,, ડીસામાં 42 ડિ.સે,, અમરેલી અને કંડલા એરપોર્ટ પર 43 ડિ.સે,, જ્યારે ભૂજ અને મહુવામાં 41 ડિ.સે, તાપમાન નોંધાયું હતું. સુરત અને કેશોદમાં 39 ડિ.સે, પોરબંદર અને દમણમાં 36 ડિ.સે, તાપમાન નોંધાતા ગરમીનો પ્રકોપ સમગ્ર રાજ્યમાં અનુભવાયો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં વાતાવરણ સૂકું રહ્યું હતું. ભાવનગર, મહુવા અને કંડલા પોર્ટ વિસ્તારમાં હીટવેવની સ્થિતિ નોંધાઈ હતી. ઉપરાંત દ્વારકા જિલ્લાના ઓખા, દીવ અને દક્ષિણ ગુજરાતના વડોદરા જિલ્લામાં પણ હીટવેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.