કર્ણાટક સરકારે વર્ષ 2022માં સ્કૂલ અને કોલેજોમાં લાગુ કરાયેલા હિજાબ પ્રતિબંધ મામલે મોટો યુટર્ન લીધો છે. રાજ્ય સરકારે હવે તે વિવાદિત આદેશ પાછો ખેંચી લીધો છે અને નવા દિશાનિર્દેશો જાહેર કર્યા છે. નવા નિયમો મુજબ હવે સરકારી તેમ જ ખાનગી શાળાઓ અને પ્રી-યુનિવર્સિટી કોલેજોમાં વિદ્યાર્થીઓ નિર્ધારિત યુનિફોર્મ સાથે હિજાબ સહિત વિવિધ ધાર્મિક અને પરંપરાગત પ્રતીકો પહેરી શકશે. સરકારના આ નિર્ણયથી લાંબા સમયથી ચાલી રહેલા હિજાબ વિવાદને લઈને ફરી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. નવા નિયમો અનુસાર વિદ્યાર્થીઓ હવે પાઘડી, જનોઈ, રુદ્રાક્ષ અને હિજાબ જેવા ધાર્મિક પ્રતીકો ધારણ કરી શકશે. જોકે સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રતીકોના કારણે શાળાની શિસ્ત, ઓળખ અથવા સુરક્ષામાં કોઈ પ્રકારનો અવરોધ ન આવવો જોઈએ. વિદ્યાર્થીઓએ યુનિફોર્મ સાથે આ વસ્તુઓ એવી રીતે પહેરવાની રહેશે કે જેથી શિક્ષણનું વાતાવરણ પ્રભાવિત ન થાય.
રાજ્ય સરકારનું કહેવું છે કે કોઈ પણ વિદ્યાર્થીને માત્ર ધાર્મિક પ્રતીકો પહેરવાના કારણે વર્ગખંડ, પરીક્ષા અથવા શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં પ્રવેશતા અટકાવી શકાશે નહીં. સાથે જ કોઈ વિદ્યાર્થીને ધાર્મિક પ્રતીકો પહેરવા અથવા ઉતારવા માટે દબાણ પણ કરી શકાશે નહીં. શિક્ષણ મંત્રી મધુ બંગારપ્પાએ જણાવ્યું હતું કે શિક્ષણ અને વિદ્યાર્થીઓના ભવિષ્ય વચ્ચે ધાર્મિક બાબતો અવરોધ ન બનવી જોઈએ. તેમણે કહ્યું કે તાજેતરમાં જનોઈ ઉતરાવવાના બનાવોને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓની લાગણી દુભાઈ હતી, જેને ધ્યાનમાં રાખીને સરકારે આ ફેરફાર કર્યો છે. સરકારે કર્ણાટક એજ્યુકેશન એક્ટ, 1983 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને આ નિર્ણય લીધો છે. આ નિર્ણય પહેલાં કેન્દ્રીય વિદ્યાલયોમાં લાગુ ડ્રેસ કોડ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓની પદ્ધતિઓનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. વહીવટીતંત્રને આદેશ આપવામાં આવ્યો છે કે નવા નિયમોનો અમલ બિનસાંપ્રદાયિક અને તટસ્થ રીતે કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓમાં સમાનતા, ગરિમા અને સામાજિક સમરસતાના મૂલ્યો જળવાઈ રહે.
બીજી તરફ, આ નિર્ણય સામે વિરોધ પક્ષોએ આકરા પ્રહાર કર્યા છે. ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે સરકાર પોતાની નિષ્ફળતાઓ છુપાવવા અને જૂના વિવાદોને ફરી જીવતા કરવા માટે આ પગલું ભરી રહી છે. વિરોધ પક્ષનું કહેવું છે કે જો હિજાબને મંજૂરી આપવામાં આવે છે તો હિન્દુ વિદ્યાર્થીઓને પણ કેસરી ખેસ અથવા અન્ય ધાર્મિક પ્રતીકો સાથે આવવાની મંજૂરી મળવી જોઈએ. વર્ષ 2022માં કર્ણાટકમાં હિજાબ મુદ્દે ભારે વિવાદ સર્જાયો હતો. કેટલાક શૈક્ષણિક સંસ્થાઓએ હિજાબ પહેરીને આવતી વિદ્યાર્થીનીઓને પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે સમગ્ર દેશમાં ચર્ચા અને વિરોધ પ્રદર્શન થયા હતા. મામલો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યો હતો. હવે સરકારના નવા નિર્ણય બાદ ફરી એકવાર આ મુદ્દો રાજકીય અને સામાજિક ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. રાજ્ય સરકારનું માનવું છે કે વિદ્યાર્થીઓને શિક્ષણનો અધિકાર સૌથી મહત્વપૂર્ણ છે અને ધાર્મિક ઓળખના કારણે કોઈ પણ વિદ્યાર્થીના ભવિષ્ય સાથે સમાધાન ન થવું જોઈએ.