અમેરિકાની જાણીતી ટેક કંપની સિસ્કોએ પોતાના વૈશ્વિક કાર્યબળમાં મોટો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ લગભગ 4,000 કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી કંપનીના કુલ વૈશ્વિક કર્મચારીઓના લગભગ 5 ટકા લોકો અસરગ્રસ્ત બનશે. સિસ્કો હવે પરંપરાગત બિઝનેસમાંથી ખર્ચ ઘટાડીને AI, સાયબર સિક્યોરિટી, નેટવર્કિંગ અને સિલિકોન ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં વધુ રોકાણ કરવા જઈ રહી છે. સિસ્કોના CEO ચક રોબિન્સે કર્મચારીઓને મોકલેલા મેમોમાં જણાવ્યું હતું કે ટેક ઇન્ડસ્ટ્રી ઝડપથી બદલાઈ રહી છે અને AI યુગમાં ટકી રહેવા માટે કંપનીઓએ કઠિન નિર્ણયો લેવા જરૂરી બન્યા છે. તેમણે કહ્યું કે સિસ્કો ભવિષ્ય માટે પોતાની કામગીરીને વધુ મજબૂત બનાવવા માંગે છે અને તે માટે કેટલાક વિભાગોમાં ઘટાડો કરવો અનિવાર્ય બની ગયો છે.
મહત્વની વાત એ છે કે છટણીની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે કંપનીએ પોતાના ત્રીજા ત્રિમાસિકમાં રેકોર્ડ આવક નોંધાવી છે. સિસ્કોએ જણાવ્યું હતું કે કંપનીએ 15.8 બિલિયન ડોલરની આવક મેળવી છે, જે ગયા વર્ષની સરખામણીએ 12 ટકા વધુ છે. કંપનીના નફામાં પણ સારો વધારો થયો છે. AI આધારિત ડેટા સેન્ટર અને નેટવર્કિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વધતી માંગને કારણે સિસ્કોને એક અબજ ડોલરથી વધુના ઓર્ડર મળ્યા છે. છતાં પણ કંપનીનું માનવું છે કે ભવિષ્યમાં સ્પર્ધા વધુ કઠિન બનવાની છે. AI ટેકનોલોજી ઝડપથી આગળ વધી રહી છે અને માર્કેટમાં ટકી રહેવા માટે મોટા પ્રમાણમાં રોકાણ જરૂરી છે. આ કારણસર સિસ્કો હવે પોતાના સંસાધનોને ફરી ગોઠવી રહી છે. CEO ચક રોબિન્સે મેમોમાં જણાવ્યું કે કંપની હવે ખાસ કરીને સિલિકોન, ઓપ્ટિક્સ, સુરક્ષા અને AI આધારિત ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરશે. કંપની પોતાના કર્મચારીઓ દ્વારા AI નો વધુ ઉપયોગ વધારવા પણ કામ કરશે. તેમનું માનવું છે કે ભવિષ્યમાં એ જ કંપનીઓ સફળ થશે જે યોગ્ય ક્ષેત્રોમાં સતત અને વ્યૂહાત્મક રોકાણ કરશે.
સિસ્કોની આ જાહેરાત પછી કંપનીના શેરોમાં પણ વધારો જોવા મળ્યો હતો. રોકાણકારોએ કંપનીના AI ફોકસને સકારાત્મક રીતે લીધું છે. કંપનીએ જણાવ્યું છે કે અસરગ્રસ્ત કર્મચારીઓને સપોર્ટ આપવામાં આવશે. તેમને નાણાકીય વર્ષ 2026ના બોનસની પ્રમાણસર ચુકવણી કરવામાં આવશે. સાથે જ નવી નોકરી શોધવામાં સહાય અને સિસ્કો U દ્વારા AI, નેટવર્કિંગ અને સાયબર સિક્યોરિટી જેવા કોર્સની એક વર્ષની મફત ઍક્સેસ પણ આપવામાં આવશે. કંપનીએ કહ્યું કે સિસ્કોની પ્લેસમેન્ટ સર્વિસીસ મારફતે અસરગ્રસ્ત કર્મચારીઓને આંતરિક અને બાહ્ય નોકરીઓ શોધવામાં મદદ મળશે. સિસ્કોના જણાવ્યા મુજબ, અગાઉ આ પ્રોગ્રામનો ઉપયોગ કરનારા 75 ટકા કર્મચારીઓને નવી નોકરી મળી ગઈ હતી.
છેલ્લા કેટલાક મહિનાઓમાં ટેક ઇન્ડસ્ટ્રીમાં Layoffનો ટ્રેન્ડ વધ્યો છે. Meta, Amazon, Oracle અને અન્ય મોટી કંપનીઓએ પણ AI અને ઓટોમેશનને ધ્યાનમાં રાખીને હજારો કર્મચારીઓની છટણી કરી છે. હવે સિસ્કો પણ એ જ દિશામાં આગળ વધી રહી છે. ટેક નિષ્ણાતોનું માનવું છે કે AIના વધતા ઉપયોગને કારણે આગામી વર્ષોમાં ઘણા પરંપરાગત કામકાજમાં બદલાવ આવશે. કંપનીઓ હવે ઓછા ખર્ચે વધુ કાર્યક્ષમતા મેળવવા માટે AI આધારિત સિસ્ટમ અપનાવી રહી છે. જોકે, આ બદલાવથી કર્મચારીઓમાં નોકરીની સુરક્ષા અંગે ચિંતા પણ વધી રહી છે. સિસ્કોએ પોતાના મેમોમાં સ્પષ્ટ કહ્યું છે કે આ નિર્ણય સરળ નહોતો, પરંતુ ભવિષ્ય માટે જરૂરી હતો. કંપનીએ જણાવ્યું કે તે હજુ પણ વિકાસ અને નવી ટેકનોલોજીમાં વિશ્વાસ રાખે છે અને AI યુગમાં મજબૂત સ્થાન બનાવવા માટે આગળ વધી રહી છે.