SURAT

સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકથી મળશે રાહત, બસ, કાર અને રિક્ષા માટે અલગ લેન બનાવાશે

સુરત રેલવે સ્ટેશન શહેરના સૌથી વ્યસ્ત વિસ્તારોમાંનું એક માનવામાં આવે છે. દરરોજ હજારો મુસાફરો, ઓટો રિક્ષા, ખાનગી વાહનો, બસો અને અન્ય વાહનો અહીંથી અવરજવર કરે છે. પરિણામે દિવસભર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. ખાસ કરીને સ્ટેશનના પશ્ચિમ ભાગમાં દબાણો, ગેરકાયદે પાર્કિંગ અને અનિયંત્રિત વાહન વ્યવહારને કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં વર્ષોથી લોકો માટે માથાનો દુખાવો બનેલી ટ્રાફિક સમસ્યાને હવે મોટા પાયે ઉકેલવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકા અને પોલીસ વિભાગે મળીને એક સંયુક્ત માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે, જેના અમલ બાદ દરરોજ અહીંથી પસાર થતા લગભગ 1 લાખ વાહનો અને 50 હજારથી વધુ મુસાફરોને મોટી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. તાજેતરમાં પોલીસ કમિશનર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, SITCO તેમજ SVNITના ટ્રાફિક નિષ્ણાતો હાજર રહ્યા હતા. બેઠકમાં સુરત રેલવે સ્ટેશન વિસ્તારની હાલની ટ્રાફિક સમસ્યાઓ અને તેના ઉકેલ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

આ સમસ્યાને કાયમી રીતે ઉકેલવા SVNITના નિષ્ણાતોની મદદ લેવામાં આવી છે. તેમણે વૈજ્ઞાનિક અભ્યાસ બાદ સમગ્ર વિસ્તારની નવી બ્લૂપ્રિન્ટ તૈયાર કરી છે. આ પ્લાન અંતર્ગત સ્ટેશન વિસ્તારમાં સર્ક્યુલર પેટર્ન પર આધારિત ટ્રાફિક સિસ્ટમ વિકસાવવામાં આવશે, જેથી વાહનોનું અવરજવર વધુ સરળ અને ઝડપી બની શકે. નવી યોજના મુજબ સ્ટેશન વિસ્તારમાં પ્રવેશ અને બહાર નીકળવાના રસ્તાઓ અલગ કરવામાં આવશે. આ ઉપરાંત બસો, કાર, ઓટો રિક્ષા અને રાહદારીઓ માટે અલગ-અલગ લેન બનાવવામાં આવશે. બસો માટે સીધી લેન રહેશે, જ્યારે ખાનગી કાર અને રિક્ષાઓ માટે અલગ પિકઅપ-ડ્રોપ ઝોન તૈયાર થશે. રાહદારીઓ માટે પણ સુરક્ષિત ફૂટપાથ અને ક્રોસિંગ બનાવાશે. હાલમાં સૌથી મોટી સમસ્યા સ્ટેશન બહાર ઉભી રહેતી રિક્ષાઓ અને ખાનગી વાહનોની છે. નવા પ્લાન મુજબ રિક્ષા સ્ટેન્ડ અને અન્ય પાર્કિંગ ઝોનને નવી જગ્યાએ ખસેડવામાં આવશે. આથી રસ્તા પર થતો અનાવશ્યક ટ્રાફિક ઘટાડવામાં મદદ મળશે.

મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજને જણાવ્યું હતું કે મનપા અને પોલીસ વિભાગ વર્ષોથી ટ્રાફિક સુધારણા માટે સંયુક્ત રીતે કામ કરી રહ્યા છે. હવે કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત અને વેસ્ટર્ન રેલવે સાથે મળીને સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક ફ્લો વધુ વ્યવસ્થિત બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર આ યોજનાથી સમયની બચત ઉપરાંત પેટ્રોલ-ડીઝલનો ખર્ચ પણ ઓછો થશે અને પ્રદૂષણમાં ઘટાડો આવશે. સુરત ઈન્ટીગ્રેટેડ ટ્રાન્સપોર્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SITCO) દ્વારા હાલ સ્ટેશનને આધુનિક બનાવવા માટે પણ મોટાપાયે કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ દરમિયાન ટ્રાફિક પર અસર પડી રહી છે, પરંતુ મુસાફરોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટે રોડ રી-કાર્પેટિંગ અને નવા સિગ્નલિંગ સિસ્ટમનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.

આ યોજના હેઠળ સ્ટેશન વિસ્તારમાં રહેલા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે અને અનઅધિકૃત પાર્કિંગ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોનું કડક પાલન કરાવવામાં આવશે જેથી ઈમરજન્સી સમયે પણ વાહનો સરળતાથી પસાર થઈ શકે. આ સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ સુરત રેલવે સ્ટેશન વિસ્તારનો ટ્રાફિક સંપૂર્ણપણે બદલાઈ જશે અને મુસાફરોને વધુ સુરક્ષિત, ઝડપી અને સુવિધાજનક અનુભવ મળશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

Most Popular

To Top