Vadodara

JEE-NEETના નામે ‘ડમી એજ્યુકેશન’નો ધંધો?

વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખેલ બંધ કરવા DEOને એકેડેમિક એસોસિએશનની રજૂઆત
ડમી સ્કૂલ-કોચિંગ સાંઠગાંઠથી વાલીઓ પર આર્થિક બોજ, વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ ખોરવાતો હોવાનો આક્ષેપ
“ફક્ત પુસ્તકીય જ્ઞાન નહીં, જીવનઘડતર જરૂરી” : શૈક્ષણિક દબાણથી વિદ્યાર્થીઓમાં વધતો માનસિક તણાવ

( પ્રતિનિધિ ) વડોદરા, તા.12
વડોદરા એકેડેમિક એસોસિએશન દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી (DEO)ને આવેદનપત્ર પાઠવી શહેરમાં ચાલી રહેલી ડમી સ્કૂલ, કોન્સેપ્ટ સ્કૂલ અને સ્કૂલ સમય બાદ ચાલતા કોન્સેપ્ટ ક્લાસીસ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. એસોસિએશને આક્ષેપ કર્યો છે કે JEE-NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓના નામે વિદ્યાર્થીઓ અને વાલીઓનું ખુલ્લેઆમ શોષણ થઈ રહ્યું છે.

બરોડા એકેડેમિક એસોસિએશનના પ્રમુખ વિપુલ જોશીએ જણાવ્યું હતું કે કેટલીક નોન-ગ્રાન્ટેડ શાળાઓ ખાનગી કોચિંગ ક્લાસીસ સાથે સાંઠગાંઠ કરીને માત્ર કાગળ પર એડમિશન આપે છે. વિદ્યાર્થીઓને અઠવાડિયામાં માત્ર એકાદ દિવસ શાળામાં હાજરી આપવાની હોય છે, જ્યારે બાકીના દિવસોમાં કોચિંગ ક્લાસીસમાં અભ્યાસ કરાવવામાં આવે છે. એસોસિએશનના મતે, આવી પદ્ધતિ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ગંભીર રીતે અસર કરે છે.

એસોસિએશને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ માત્ર પરીક્ષા કેન્દ્રિત શિક્ષણ સુધી સીમિત બની રહ્યા છે, જ્યારે રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને વ્યક્તિત્વ વિકાસ જેવી મહત્વપૂર્ણ બાબતો પાછળ ધકેલાઈ રહી છે. સાથે જ ડમી સ્કૂલ અને કોચિંગ સંસ્થાઓ દ્વારા વાલીઓ પાસેથી લાખો રૂપિયાની ફી વસૂલાતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
આવેદનમાં વધુમાં જણાવાયું છે કે વધતા શૈક્ષણિક દબાણ અને અતિસ્પર્ધાત્મક વાતાવરણના કારણે વિદ્યાર્થીઓ માનસિક તણાવનો ભોગ બની રહ્યા છે. એસોસિએશને ચેતવણી આપી છે કે જો સમયસર નિયંત્રણ નહીં લાવવામાં આવે તો શિક્ષણ વ્યવસ્થા વધુ વ્યાવસાયિક બની વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે.
એસોસિએશને વડાપ્રધાન, મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી તથા શિક્ષણ વિભાગના અધિકારીઓને આ મામલે ત્વરિત કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ ડીઈઓ કચેરી ડમી સ્કૂલો શોધવામાં નિષ્ફળ જશે તો જાગૃત નાગરિકો સહકાર આપશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Most Popular

To Top