Gujarat

પત્નીની હત્યા માટે 200 રાઉન્ડ ફાયરિંગ પ્રેક્ટિસ

સુરતના RTO અધિકારી વિરુદ્ધ થયેલી ચાર્જશીટમાં ચોંકાવનારા ખુલાસા

સુરત જિલ્લામાં ચર્ચાસ્પદ બનેલા RFO સોનલ સોલંકી હત્યા કેસમાં પોલીસે કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં અનેક હચમચાવી દેનારા ખુલાસાઓ કર્યા છે. તપાસ મુજબ મુખ્ય આરોપી અને આરટીઓ અધિકારી નિકુંજે પોતાની પત્નીની હત્યા માટે લાંબા સમયથી સુનિયોજિત ષડયંત્ર રચ્યું હતું. પોલીસે ટેક્નિકલ પુરાવા, GPS ડેટા, કોલ ડિટેઇલ્સ અને CCTV ફૂટેજના આધારે સમગ્ર કાવતરું બહાર લાવ્યાનો દાવો કર્યો છે.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી નિકુંજે સહઆરોપી ઇશ્વરપુરીને હત્યા માટે સોપારી આપી હતી. માત્ર એટલું જ નહીં, હત્યા દરમિયાન નિશાન ચોક્કસ લાગે તે માટે તેણે ગોળીબારની ખાસ પ્રેક્ટિસ પણ કરાવી હતી. પોલીસ મુજબ નિકુંજે પોતાની લાયસન્સવાળી પિસ્તોલમાં ગોળીઓ ભરી ઇશ્વરપુરીને અંદાજે 200 રાઉન્ડ ફાયરિંગ કરાવ્યું હતું. ચાર્જશીટ અનુસાર વર્ષ 2024 દરમિયાન 200 અને વર્ષ 2025માં વધુ 200 રાઉન્ડ ગોળીઓ ખરીદવામાં આવી હતી.

પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે નિકુંજે સહઆરોપીને બિહાર મોકલી પિસ્તોલ અને કારતૂસ મંગાવવા માટે આશરે દોઢ લાખ રૂપિયા આપ્યા હતા. બીજી તરફ પોતાની પત્નીની હિલચાલ પર સતત નજર રાખવા માટે કારમાં GPS ટ્રેકર લગાવવામાં આવ્યું હતું. આ GPS માટે આરોપીએ પોતાની સાસુના દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે.

હત્યાકાંડ બાદ આરોપી ઇશ્વરપુરી શિરડી તરફ ભાગ્યો હતો. રસ્તામાં એક ઢાબા પર રોકાઈ મેગી ખાધી હોવાની વિગતો પણ તપાસમાં નોંધાઈ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓએ પુરાવા નષ્ટ કરવા માટે અનેક પ્રયાસો કર્યા હતા. હત્યા માટે વપરાયેલ હથિયાર અંબિકા નદીમાં ફેંકી દેવામાં આવ્યું હતું, જ્યારે ગોળીઓ, મેગેઝીન અને હથિયારના ભાગોને અલગ-અલગ સ્થળોએ નષ્ટ કરવાનો પ્રયાસ થયો હતો.

ચાર્જશીટમાં વધુ એક મહત્વપૂર્ણ ખુલાસો એ છે કે ઘટનાના સમયે નિકુંજે પોતાને નિર્દોષ દર્શાવવા માટે એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં માત્ર દોઢ મિનિટ માટે હાજરી આપી હતી, જેથી પોતે ઘટના સ્થળથી દૂર હોવાનું દર્શાવી શકાય. જોકે મોબાઈલ લોકેશન, CCTV ફૂટેજ અને અન્ય ટેક્નિકલ પુરાવાઓએ સમગ્ર કાવતરું બહાર લાવવામાં પોલીસને મદદ કરી હતી.

તપાસ દરમિયાન દાંપત્ય જીવનમાં ચાલી રહેલા તણાવ અંગે પણ માહિતી સામે આવી છે. પોલીસ મુજબ નિકુંજ અને તેની એક સ્ત્રીમિત્ર વચ્ચેના સંબંધોને લઈને પતિ-પત્ની વચ્ચે વારંવાર વિવાદ થતો હતો. શંકા ન જાય તે માટે આરોપીએ પોતાની સ્ત્રીમિત્રનો નંબર મોબાઈલમાં “RTO H.M. પટેલ” નામથી સેવ કર્યો હોવાનું પણ ચાર્જશીટમાં જણાવાયું છે. આરોપીઓએ ફરાર રહેવા માટે પણ ખાસ તૈયારી કરી હતી. માલસેજ ઘાટ ખાતે બંને મળ્યા બાદ મધ્યપ્રદેશ તરફ ભાગ્યા હતા. હોટલોમાં રોકાણ દરમિયાન ખોટી ઓળખનો ઉપયોગ થાય તે માટે તેમની પાસે 22 જેટલા બોગસ લાયસન્સ હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

પોલીસે એવો પણ દાવો કર્યો છે કે હત્યા કરવા જતી વખતે ઇશ્વરપુરી પાસે બે લોડેડ પિસ્તોલ હતી. ઘટના પહેલાં તે એક ઇન્ડસ્ટ્રીયલ કંપનીના CCTVમાં હેલ્મેટ વિના કેદ થયો હતો, જેના આધારે તપાસને મહત્વપૂર્ણ દિશા મળી હતી. જડતી દરમિયાન આરોપીના ઘરેથી કાયદા સંબંધિત 23 પુસ્તકો પણ મળી આવ્યા હતા. ઉપરાંત જે વાહનોનું રજિસ્ટ્રેશન કેન્સલ થતું તેની નંબર પ્લેટ પોતાની પાસે જ રાખવાની વિગતો પણ તપાસમાં સામે આવી છે. હાલ પોલીસે તમામ ટેક્નિકલ અને ફોરેન્સિક પુરાવાઓના આધારે મજબૂત ચાર્જશીટ તૈયાર કરી છે. હવે સમગ્ર રાજ્યનું ધ્યાન ખેંચનાર આ હાઈપ્રોફાઈલ કેસ કોર્ટમાં ટ્રાયલ માટે આગળ વધશે.

Most Popular

To Top