રહેણાંક મકાનમાં પોલીસનો દરોડો, 215 બોટલ સાથે આરોપી સામે ગુનો નોંધાયો
કાલોલ, તા. 12/05/26
પંચમહાલ જિલ્લાના કાલોલ શહેરમાં પ્રોહિબિશન પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસ દ્વારા હાથ ધરાયેલા અભિયાન અંતર્ગત મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાલોલના બોરૂ રોડ પર આવેલી ઇનોક્સ કંપની પાસેના એક રહેણાંક મકાનમાં દરોડો પાડી પોલીસે લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ, કાલોલ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ભરવાડને ચોક્કસ બાતમી મળી હતી કે અજયભાઈ મહેન્દ્રભાઈ પરમાર નામનો શખ્સ પોતાના મકાનમાં વેચાણના હેતુથી વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી રહ્યો છે.
બાતમીના આધારે સર્વેલન્સ સ્કોડના પીએસઆઇ એમ.આર. મોહનીઆ અને તેમની ટીમે સ્થળ પર દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મકાનમાંથી ભારતીય બનાવટના પરપ્રાંતીય વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ 215 નાની-મોટી બોટલો મળી આવી હતી.
પોલીસે જપ્ત કરેલા દારૂના જથ્થાની કુલ કિંમત અંદાજે ₹2,54,560 હોવાનું જણાવાયું છે.
આ સમગ્ર મામલે પોલીસે આરોપી અજયભાઈ મહેન્દ્રભાઈ પરમાર વિરુદ્ધ ગુજરાત નશાબંધી સુધારા અધિનિયમ-2016ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર વીરેન્દ્ર મહેતા