Comments

શિક્ષણમાં અમેરિકાની નકલ કરવા કરતાં યુરોપમાંથી પ્રેરણા લેવી વધારે સારી

વેકેશન હવે છેલ્લા તબક્કામાં છે. ચોમાસું ઉનાળાને પલાળી ગયું છે. જૂન મહિનો માતા-પિતા માટે જાલીમ હોય છે. કારણ કે હવે આપણે ત્યાં શાળાઓ ખૂલે છે કે બજાર. એ હવે નક્કી કરવું મુશ્કેલ છે. શિક્ષણ મોંઘું થતું જાય છે. ખાસ તો પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં આપણે સાવ જ વિદેશી થતાં જઇએ છીએ. નાનાં-નાનાં ગામડાં, તાલુકા પ્લેસમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ ખૂલી ગઇ છે. શાળા સંચાલકો બાળકો ઉઘરાવવા બસોની વ્યવસ્થા પણ ગોઠવી નાખે છે.

આપણે અમેરિકાની બજાર શિક્ષણ વ્યવસ્થાથી વધારે પ્રભાવિત છીએ. આપણે પોતાનો દેત્ય જીવતો રાખવા વાર તહેવારે મૂલ્ય શિક્ષણની વાતો કરીએ છીએ. પણ શિક્ષણમાં નૈતિક મૂલ્યોનું સદંતર પતન થયું છે. ગીતા ભણાવો, યોગ શિખવાડો, સંસ્કાર શિક્ષણ આપો, ઉત્સવો યોજો એવો દેખાડો કરીએ છીએ પણ વાસ્તવમાં અંગ્રેજી માધ્યમમાં માત્ર વ્યવસાયલક્ષી હેતુથી જ બાળકોને ભણાવાય છે. માટે જે 10મા 12માની બોર્ડની પરીક્ષા આપનાર બાળકને માતૃભાષામાં માત્ર પાસ થવા પૂરતી જ તૈયારી કરવાનું કહેવાય છે અને જે મૂલ્યો, સંસ્કાર, પરંપરા શિખવાડવાં છે તે તો ભાષાના અભ્યાસ વગર આવવાનાં જ ક્યાંથી. બાળકોને વિજ્ઞાન પ્રવાહમાં ભણાવવા મા-બાપ થનગને છે પણ તેનામાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે માટે નહીં તે ડોક્ટર કે એન્જિનિયર બની સુખ સમૃધ્ધિમાં આળોટે તે માટે આ અભિગમ અમેરિકાના બથરવાદનો છે.

વ્યક્તિ તો વ્યવસાયલક્ષી વિચારે જ. શિક્ષણના મૂળ બે જ હેતુ છે. કાં તો માત્ર જ્ઞાન માટે જ્ઞાન અથવા અર્થોપાજન માટે ધ્યાન. વ્યક્તિ વ્યવસાયલક્ષી વિચારે પણ શિક્ષણની આપણે વ્યવસ્થા જ વેપારી મૂલ્યો મુજબ ચાલે તે બજારવાદની આડ અસર છે. માટે જ સરકાર નાના નાના ટેનામેન્ટમાં શોપિંગ કોમ્પલેક્ષના બીજા-ત્રીજા માળે શાળા કોલેજોને મંજૂરી આપે છે. વળી શાળા કોલેજની મંજૂરીમાં પ્રથમ શિક્ષકો અને અધ્યાપકો હોવાં જરૂરી નથી. પ્રોપર્ટી તમારી પાસે મકાન અને મૂડી છે તો તમને શાળા કોલેજ ચલાવવાની મંજૂરી આપવામાં આવશે અને એક વાર મંજૂરી મળે પછી તમે ઓછા પગારે શિક્ષકો અને તગડી ફી સાથે વિદ્યાર્થીઓ રાખી શકશો.

આપણે નાણાંની નીતિ વેવ વ્યાપાર હોય, બૂલેટ ટ્રેન જેવા માળખાકીય સુવિધાના નિર્ણયમાં વિદેશી મોડેલનું અનુકરણ કરીએ છીએ. આપણા નેતાઓ, અધિકારીઓ, વારતહેવારે વિદેશ પ્રવાસ કરે છે.જો તેઓ દેશ-વિદેશમાં શું સારું છે તે જુએ છે તો તેમણે અમેરિકાની સાથે યુરોપમાં પણ જવું જોઇએ. (જાય જ છે) યુરોપના ‘ફીનલેન્ડ’ની શિક્ષણવ્યવસ્થાના વાર-તહેવારે સમાચારો છપાતા રહે છે. યુરોપના મોટા ભાગના દેશોમાં પ્રાથમિક શાળાઓ સરકારી અને માતૃભાષામાં જ શિક્ષણ આપે છે ત્યાં અંગ્રેજી માધ્યમની શાળાઓ છે.

પણ જે તે દેશની માતૃભાષા તો ભણાવાય જ છે. અગાઉ આ લેખમાં લખ્યું હતું તેમ દુનિયાભરમાં દ્વિભાસ પોલીસી સ્વીકારાઇ છે. મધરટંગ અને અધરટંગ. બાળક સાથે બધે જ બાળકોને સાચવવાનાં, રમાડવાનાં, પૌષ્ટિક આહારના તમામ નિયમોનું કડકાઇથી પાલન થાય છે. ખાનગી શાળાઓ જે પ્રમાણમાં ખૂબ ઓછી છે તે વાજબી ફીથી જ ભણાવે છે અને સૌથી અગત્યનું એ કે તમે શાળા કોલેજમાં ગુણવત્તા વગરનાં શિક્ષકો રાખી શકતાં જ નથી અને પગાર નિયમથી ઓછો આપી શકાતો જ નથી.

ગુજરાતમાં ગિજુભાઇ બધેકા કે મંડળ મોન્ટેસરીની વાતો હવે વિસરાઇ ગઇ છે. સંપૂર્ણ ગાંધીવાદી સંસ્થાઓ કે ધાર્મિક આગેવાનોએ ‘ગુરુકુળ’ જેવાં નામોથી ચાલતી શાળાઓમાં પણ ઇન્ટરનેશનલ સ્કૂલના નામે ગોખણિયું જ્ઞાન અપાઇ રહ્યું છે. માટે વેકેશન ખૂલવામાં હોય ત્યારે બાળકો ભલે શિક્ષણની ચિંતા કરે. વાલીઓ-સારાં શાળા સંચાલકો અને સરકારમાં બેઠેલા નિસ્બત ધરાવતા અધિકારીઓ શિક્ષણની વ્યવસ્થા વિશે નિબસ્તપૂર્વક વિચારીએ.

શું આપણે માતૃભાષામાં શિક્ષણનું મહત્ત્વ પ્રજાને સમજાવી શકીશું. શિક્ષણના વ્યવસાયમાં વેપાર માટે નહીં સામુહિક જરૂરિયાતની વસ્તુ વાજબી ભાવે પૂરી પાડનારાં લોકોનો મહિમા કરી શકીશું. શું સરકાર સરકારી શાળાઓના કાયાપલટ દ્વારા ખાનગી શાળાઓ સામે સારી સ્પર્ધા પૂરી પાડી શકશે. નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય ત્યારે વ્યાયામ શિક્ષક, મિત્ર શિક્ષક, ભાષા અને વિજ્ઞાનનાં શિક્ષકોની પૂરતી સંખ્યામાં ભરતી થશે. શું નવા શૈક્ષણિક સત્ર માટે આપણે ખરેખર તૈયાર છીએ.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top