સોનું ન ખરીદો, પેટ્રોલ બચાવો, PM મોદીની અપીલ બાદ રોકાણકારોમાં દહેશત,
ભારતીય શેર બજારમાં છેલ્લા 24 કલાક દરમિયાન બીજીવાર મોટો કડાકો જોવા મળ્યો છે. સોમવારના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો ભારે દબાણ હેઠળ રહ્યા હતા. વૈશ્વિક બજારમાં વધતી અસ્થિરતા, મધ્ય પૂર્વમાં વધતું યુદ્ધ તણાવ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોનાં ખરીદી તથા પેટ્રોલ-ડીઝલ બચાવવા કરેલી અપીલ બાદ બજારમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ કારોબાર દરમિયાન 1300થી વધુ અંક તૂટી ગયો હતો, જ્યારે નિફ્ટીમાં પણ 360 અંકથી વધુનો ઘટાડો નોંધાયો હતો. દિવસભર બજારમાં વેચવાલીનું દબાણ યથાવત રહ્યું અને રોકાણકારોના આશરે 6 લાખ કરોડ રૂપિયાથી વધુ ડૂબી ગયા હોવાનું માનવામાં આવે છે. બજારમાં આ ભારે ઘટાડાનું સૌથી મોટું કારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની અપીલને માનવામાં આવી રહી છે. હૈદરાબાદમાં જાહેર સભાને સંબોધતા PM મોદીએ દેશવાસીઓને એક વર્ષ સુધી સોનાંની ખરીદી ટાળવા, પેટ્રોલ-ડીઝલનો ઓછો ઉપયોગ કરવા અને શક્ય હોય ત્યાં સુધી “વર્ક ફ્રોમ હોમ” અપનાવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારતના પડોશમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક સપ્લાય ચેઇન સંકટનો સીધો અસર દેશની અર્થવ્યવસ્થા પર પડી રહ્યો છે.
PM મોદીની આ અપીલ બાદ સૌથી વધુ અસર જ્વેલરી અને સોનાં સાથે જોડાયેલી કંપનીઓના શેર પર જોવા મળી હતી. ટાઇટન, કલ્યાણ જ્વેલર્સ, સેન્કો ગોલ્ડ અને અન્ય મોટી જ્વેલરી કંપનીઓના શેરોમાં 6 થી 10 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. રોકાણકારોમાં એ ભય ફેલાયો છે કે સરકાર ભવિષ્યમાં સોનાં પર આયાત શુલ્ક વધારી શકે છે અથવા માંગ ઘટાડવા માટે કડક પગલાં લઈ શકે છે.બીજી તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટો નિષ્ફળ જતા આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં પણ ભારે ઉછાળો આવ્યો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત 106 ડોલર પ્રતિ બેરલ નજીક પહોંચી ગઈ છે. કાચા તેલના વધતા ભાવને કારણે વૈશ્વિક મોંઘવારી વધવાની આશંકા વધી છે, જેના કારણે વિશ્વભરના શેર બજારોમાં નકારાત્મક અસર જોવા મળી રહી છે.
ભારતીય રૂપિયો પણ ડોલર સામે વધુ નબળો બનતા વિદેશી રોકાણકારોમાં ચિંતા વધી છે. ગ્લોબલ માર્કેટમાં જાપાન, હોંગકોંગ અને અન્ય એશિયન બજારોમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો હતો, જેના કારણે ભારતીય બજાર પર વધારાનો દબાણ આવ્યો હતો.સરકારે જોકે લોકોને ગભરાશો નહીં તેવી અપીલ કરી છે. પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈ તાત્કાલિક સંકટ નથી. સરકારે માત્ર ઊર્જા બચત અને વિદેશી ચલણ બચાવવા માટે લોકોને જવાબદારીપૂર્વક ખર્ચ કરવાની અપીલ કરી હોવાનું જણાવ્યું છે. હાલ તો આ સમગ્ર ઘટનાક્રમે રોકાણકારોમાં અનિશ્ચિતતા વધારી છે. હવે આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય રાજકીય પરિસ્થિતિ અને સરકારના આગામી આર્થિક પગલાં પર બજારની દિશા નિર્ભર રહેશે.