બાથરૂમ પાસેથી સગીરાને ઘરમાં ખેંચી જઈ આરોપીએ બે વાર દુષ્કર્મ આચર્યું
વિદ્યાનગર પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી
આણંદ:
આણંદ શહેરના વિદ્યાનગર પોલીસ મથકની હદમાં એક સગીર વયની દીકરી સાથે અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. નરાધમ શખસે સગીરાને તેના માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી મોઢું બંધ રાખવા મજબૂર કરી હતી. આ મામલે વિદ્યાનગર પોલીસે આરોપી વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, આ ઘટના ગત 10મી એપ્રિલ,2026થી 7મી મે,2026 દરમિયાન બની હતી. પરેશ વિઠ્ઠલભાઈએ ફરિયાદીની સગીર વયની દીકરીને ઘરના બાથરૂમ પાસેથી બળજબરીપૂર્વક ખેંચી જઈ તેણી સાથે તેના જ રહેણાંક ઘરમાં દુષ્કર્મ આચર્યું હતું. પરેશે અત્યાર સુધીમાં બે વખત સગીરા સાથે બળજબરીથી શરીરસંબંધ બાંધ્યો હતો અને અન્ય બે વખત આવી કોશિશ પણ કરી હતી.
આ શખસે સગીરા જ્યારે પણ પ્રતિકાર કરવાનો પ્રયાસ કરતી, ત્યારે પરેશ તેને ધમકી આપતો હતો કે, જો તું આ બાબતની કોઈને જાણ કરીશ તો તારા મમ્મી-પપ્પાને જાનથી મારી નાખીશ. આ ધમકીને કારણે ભયભીત બનેલી સગીરાએ મૌન ધારણ કર્યું હતું. જોકે, ગત 7મી મે,2026ના રાત્રે 8-00થી 8-30ના અરસામાં પરેશે ફરીથી સગીરાના ઘરે જઈ બળજબરી કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
આ ઘટના અંગે તારીખ 11મી મે,2026ના રોજ સાંજે વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે સંદર્ભે પોલીસે પરેશ વિઠ્ઠલભાઈ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 137 (2), 64 (2) (આઈ)(એમ), 351 (3) તથા પોક્સો એક્ટની કલમ 4 અને 6 મુજબ ગુનો દાખલ કર્યો છે. આ કેસની વધુ તપાસ વિદ્યાનગર પોલીસ ઇન્સ્પેક્ટર આર. એમ. મધુવા ચલાવી રહ્યા છે.