Sports

IPL 2026 : દિલ્હી સામે હાર બાદ ભડક્યા શ્રેયસ અય્યર

કહ્યું “હવે વાતને ઘુમાવીશ નહીં, હાર માટે ફિલ્ડિંગ અને બોલિંગ જવાબદાર”

IPL 2026માં પંજાબ કિંગ્સ માટે ચિંતાજનક સ્થિતિ ઉભી થઈ છે. ધર્મશાળાના HPCA સ્ટેડિયમમાં રમાયેલા રોમાંચક મુકાબલામાં Punjab Kings ને Delhi Capitals સામે 3 વિકેટે હારનો સામનો કરવો પડ્યો. આ સાથે જ પંજાબની સતત ચોથી હાર નોંધાઈ છે અને ટીમના કેપ્ટન Shreyas Iyer મેચ બાદ ભારે નારાજ દેખાયા હતા.મેચ બાદ પ્રેઝન્ટેશન દરમિયાન શ્રેયસ અય્યરે સ્પષ્ટ શબ્દોમાં ટીમની કમજોરીઓ તરફ ઈશારો કર્યો. તેમણે કહ્યું કે, “હું વાતને ઘુમાવીને નહીં કહું, અમારી ફિલ્ડિંગ અને બોલિંગ ફરી એકવાર નિરાશાજનક રહી.” કેપ્ટનના આ નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું કે ટીમની અંદર હવે દબાણ વધી રહ્યું છે અને સતત હારથી ખેલાડીઓ પર માનસિક અસર પણ જોવા મળી રહી છે.

ધર્મશાળામાં રમાયેલા આ હાઈ-સ્કોરિંગ મુકાબલામાં પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા 210 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. કેપ્ટન શ્રેયસ અય્યર પોતે અણનમ 59 રન બનાવી ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડવામાં સફળ રહ્યા હતા. ઉપરાંત યુવા ઓપનર પ્રિયાંશ આર્યાએ પણ આક્રમક ઇનિંગ્સ રમી હતી. છતાં બોલરો અને ફિલ્ડરોની નબળી કામગીરીના કારણે ટીમ આ મોટો સ્કોર બચાવી શકી નહોતી. દિલ્લી કેપિટલ્સ તરફથી કેપ્ટન Axar Patel અને અનુભવી બેટ્સમેન David Miller એ શાનદાર બેટિંગ કરી મેચનું પલડું પોતાની તરફ ફેરવી દીધું. દિલ્લીએ 211 રનનો ટાર્ગેટ 19 ઓવરમાં હાંસલ કરી લીધો, જે ધર્મશાળા મેદાન પરનો અત્યાર સુધીનો સૌથી સફળ રનચેઝ માનવામાં આવી રહ્યો છે.

મેચ દરમિયાન પંજાબની ફિલ્ડિંગમાં અનેક ભૂલો જોવા મળી હતી. મહત્વપૂર્ણ કેચ છોડાયા, બોલિંગ દરમિયાન યોગ્ય લાઇન-લેન્થ જાળવી શકાયી નહોતી અને ડેથ ઓવરમાં દિલ્લીના બેટ્સમેનોએ સરળતાથી રન બનાવ્યા હતા. અય્યરે ખાસ કરીને ટીમની બોલિંગ રણનીતિ અંગે પણ નિરાશા વ્યક્ત કરી હતી. કેટલાક ક્રિકેટ વિશ્લેષકોનું માનવું છે કે સ્પિનર Yuzvendra Chahal નો પૂરતો ઉપયોગ ન થવો પણ ટીમ માટે નુકસાનકારક સાબિત થયો. આ હાર બાદ પંજાબ કિંગ્સ માટે પ્લેઓફની રેસ વધુ મુશ્કેલ બની ગઈ છે. શરૂઆતમાં સતત જીત સાથે ટોચ તરફ આગળ વધતી ટીમ હવે સતત ચાર પરાજય બાદ દબાણમાં આવી ગઈ છે. ટીમ પોઈન્ટ્સ ટેબલમાં હજુ પણ ટોપ-4 નજીક છે, પરંતુ જો આગામી મેચોમાં સુધારો નહીં થાય તો પ્લેઓફનું સપનું તૂટી શકે છે.

બીજી તરફ, દિલ્લી કેપિટલ્સ માટે આ જીત ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ છે. ટીમે માત્ર પોતાની પ્લેઓફની આશા જીવંત રાખી નથી, પરંતુ મોટા સ્કોરનો સફળ પીછો કરીને વિરોધીઓને પણ કડક સંદેશ આપ્યો છે. કેપ્ટન અક્ષર પટેલ અને ડેવિડ મિલરની ઇનિંગ્સને સોશિયલ મીડિયા પર પણ ભારે વખાણ મળી રહ્યા છે. હવે સૌની નજર પંજાબ કિંગ્સના આગામી મુકાબલા પર રહેશે. શું શ્રેયસ અય્યરની કડક ટિપ્પણી બાદ ટીમ ફરીથી કમબેક કરી શકશે કે પછી સતત હારનો સિલસિલો ચાલુ રહેશે, તે જોવું રસપ્રદ બનશે.

Most Popular

To Top