Business

મહિલાઓ પર વધતા જતા બળાત્કારના કેસો

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ  બ્યુરો દ્વારા જાહેર કરાયેલા 2024 ના અહેવાલ અનુસાર ભારતમાં દર અઢાર (18) મિનિટે  બળાત્કારનો એક કેસ નોંધાય છે. વાસ્તવિક સંખ્યા તો આનાથી અનેક ઘણી વધારે હોવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે કારણ કે અસંખ્ય કેસીસ તો નોંધાતા જ નથી. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં સ્ત્રીઓ પર થતા બળાત્કારના કેસો સામાજિક ડરને પરિણામે અને પરિવારના દબાણને કારણે નોંધાતા જ નથી.

સમાજમાં બદનામી થવાનો ભય ઉપરાંત કોર્ટમાં કેસની સુનાવણી પણ ખૂબ જ લાંબી ચાલે છે જેને પરિણામે મહિલા માનસિક રીતે થાકી જઈને પરેશાન થતી હોય છે. મહિલાઓ પર થતા બળાત્કારના કેસો એ ખૂબ જ ગંભીર પડકારજનક સામાજિક સમસ્યા છે. સ્ત્રીઓ પર થતા અત્યાચારના બનાવો એ કોઈ પણ સમાજ માટે ચિંતાપ્રેરક અને  શરમજનક બાબત છે. આપણા દેશમાં મહિલાઓની સુરક્ષા માટે કડક કાયદાઓ તો અમલમાં છે જ પરંતુ ગુનેગારોને જાણે હવે કાયદાનો ડર જ નથી લાગતો.

ફક્ત કાયદો એ ઉકેલ નથી પરંતુ સમાજના વિચારોમાં માનસિક પરિવર્તન આવે એ પણ ખૂબ જરૂરી છે. કોઈ પણ દેશે જો વિકાસ કરવો હોય તો મહિલાઓની સુરક્ષા પણ એટલી જ અગત્યની છે. સંસ્કારી સમાજમાં આવા બનાવો બનતા રહે એ સમાજ માટે કલંક સમાન છે. સમાજમાં ઘટતી જતી નૈતિકતા પણ આવા બનાવવા માટે જવાબદાર છે. મહિલાઓનું સશક્તિકરણ , સ્ત્રીઓનું સન્માન , બેટી બચાવો , સંસ્કૃતિની મહાનતા , સ્ત્રી સમાનતા ની વાતો ઘણી થતી રહે છે અને બીજી બાજુ નારી અસ્મિતા પર હુમલા પણ થતા જ રહે છે. જ્યારે સમાજમાં સ્ત્રી સુરક્ષિત જ નહીં હોય ત્યારે એ સમાજ કે દેશ કેવી રીતે પ્રગતિશીલ કહી શકાય ?
નવસારી   – ડૉ. જે. એમ. નાયક – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે

Most Popular

To Top