Education

ડિપ્લોમાથી ડિગ્રી ફાર્મસીમાં પ્રવેશ માટે ડીડીસીઈટીની પરીક્ષા પૂર્ણ

પ્રોવિઝનલ આન્સર કી 11મી મેના રોજ સાંજે 6 વાગ્યે સમિતિની વેબસાઈટ પર જાહેર થશે :

996 બેઠકો માટે 341 નોંધાયા, 322 વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા :

( પ્રતિનિધિ )વડોદરા,તા.10

ગુજરાત રાજ્યમાં શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ડિપ્લોમા ફાર્મસીથી ડિગ્રી ફાર્મસીના બીજા વર્ષમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા રાજ્યના વિવિધ કેન્દ્રો પર સફળતાપૂર્વક યોજાઈ હતી. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ દ્વારા આયોજિત આ પરીક્ષા ઓફલાઈન માધ્યમથી લેવામાં આવી હતી.

996 બેઠકો માટે કુલ 341 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 322 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા, જ્યારે, 19 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. પરીક્ષાનો સમય સવારે 11:00 થી બપોરે 01:30 સુધીનો હતો. પરીક્ષાનું સુચારુ સંચાલન માટે રાજ્યના કુલ 10 જિલ્લા મથકો પર પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા હતા. આ ઉપરાંત આણંદ, અરવલ્લી, ભાવનગર, કચ્છ, પાટણ, રાજકોટ, સુરત, વડોદરા અને વલસાડ ખાતે પણ સરકારી એન્જિનિયરિંગ અને ફાર્મસી કોલેજોમાં પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી 11મી મેના રોજ સાંજે 6 વાગ્યે સમિતિની વેબસાઈટ પર જાહેર થશે. વિદ્યાર્થીઓને જો કોઈ પ્રશ્ન સામે વાંધો હોય તો 15 મે સુધીમાં જરૂરી પુરાવા સાથે ઓનલાઈન રજૂઆત કરી શકાશે. આ માટે પ્રશ્નદીઠ રૂ. 500 ફી ભરવાની રહેશે, જે રજૂઆત સાચી ઠરતા પરત કરવામાં આવશે. ડીડીસીઈટી પરીક્ષાનું પરિણામ આ મહિનાના અંતિમ સપ્તાહમાં જાહેર કરવામાં આવશે. ત્યારબાદ જૂન મહિનાના બીજા સપ્તાહથી ડિગ્રી પ્રવેશ માટેની આગળની રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની જોગવાઈ મુજબ, ડિપ્લોમાથી ડિગ્રીમાં પ્રવેશ માટે મંજૂર બેઠકોના 10 ટકા બેઠકો ફાળવવામાં આવે છે. આ વર્ષે સરકારી સંસ્થાઓમાં કુલ 37 બેઠકો ઉપલબ્ધ છે, જ્યારે સ્વનિર્ભર સંસ્થાઓમાં કુલ 959 બેઠકો ઉપલબ્ધ રહેશે.

Most Popular

To Top