રાજ્યમાં ખેડૂતોમાં ઘટાડો અને મજૂરોમાં વધારો – આ છે વિકાસ
વર્ષ ૨૦૨૪ દરમિયાન કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા કુલ ૧૦,૫૪૬ લોકોએ આત્મહત્યા કરી
અમદાવાદ,.
ખેડૂતો અને ખેત મજૂરોની આત્મહત્યાઓ ગુજરાત તેમજ સમગ્ર દેશ માટે એક ગંભીર રાષ્ટ્રીય આપત્તિ બની ગઈ છે. ભાજપની “ડબલ એન્જિન સરકાર”ના દસ વર્ષના શાસન છતાં કૃષિ સંકટ ઘટવાનું નામ લેતું નથી. ખેડૂતો અને ખેત મજૂરોની આત્મહત્યા શું માત્ર સરકારી આંકડાઓમાં જ જીવે-મરે છે? ભાજપ સરકાર અને મોદી સરકારની ખેડૂત-ખેતી વિરોધી નીતિઓ આ માનવ સંકટ માટે સીધી જવાબદાર છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના ‘ભારતમાં અકસ્માતી મૃત્યુ અને આત્મહત્યાઓ ૨૦૨૪’ અહેવાલ મુજબ વર્ષ ૨૦૨૪ દરમિયાન કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા કુલ ૧૦,૫૪૬ લોકોએ આત્મહત્યા કરી હતી, જે દેશની કુલ આત્મહત્યાઓના ૬.૨ ટકા છે. તેમાં ૪,૬૩૩ ખેડૂતો અને ૫,૯૧૩ કૃષિ મજૂરોનો સમાવેશ થાય છે, તેવું પ્રદેશ કોંગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું.
ડૉ. મનીષ દોશીએ વધુમાં કહ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં કૃષિ મજૂરોની આત્મહત્યાઓ સૌથી વધુ સ્તરે પહોંચી છે. દરરોજ સરેરાશ ૨૮ ખેડૂતો અને મજૂરો જીવ આપી રહ્યા છે અને લગભગ દર કલાકે એક ખેડૂત કે ખેતી મજૂર આત્મહત્યા કરી રહ્યો છે. આત્મહત્યાના મુખ્ય કારણોમાં દેવું, પાક નિષ્ફળતા, કુદરતી આફતો, વધતો ખેતી ખર્ચ, લોન વસૂલાતનું દબાણ અને પરિવારની આર્થિક જવાબદારીઓ મુખ્ય છે. NSOના સર્વે મુજબ ખેડૂતોની આવકમાં ખેતીનો હિસ્સો સતત ઘટી રહ્યો છે. વર્ષ ૨૦૧૨-૧૩માં પાક ઉત્પાદનથી આવકનો હિસ્સો ૪૭.૯ ટકા હતો, જે ૨૦૧૮-૧૯માં ઘટીને માત્ર ૩૭.૭ ટકા રહ્યો હતો, જ્યારે મજૂરીથી આવકનો હિસ્સો વધીને ૪૦.૩ ટકા થયો છે. આ દર્શાવે છે કે ખેતી હવે ખેડૂતો માટે લાભદાયી વ્યવસાય રહ્યો નથી.
ડૉ. મનીષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ખેડૂતોની સંખ્યા ઘટી રહી છે અને જમીનહીન કૃષિ મજૂરોનો વર્ગ ઝડપથી વધી રહ્યો છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં કૃષિ મજૂરોની સંખ્યા ૬૮.૩૯ લાખ સુધી પહોંચી હતી, જે ૨૦૦૧ના ૫૧.૬૧ લાખથી નોંધપાત્ર વધારો દર્શાવે છે. બીજી તરફ રાજ્યના ૭૦ ટકા કરતાં વધુ ખેડૂતો નાના અને સીમિત છે. “જો ખેડૂત ઘટે અને મજૂર વધે, તો શું તેને વિકાસ કહેવાય કે અસમાનતા?” દરેક આત્મહત્યાના પાછળ એક તૂટી ગયેલું પરિવાર, અનાથ બનેલા બાળકો, ચૂકવાઈ ન શકેલા દેવા અને તૂટી રહેલું ગ્રામ્ય અર્થતંત્ર છે. આ માત્ર કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો નથી, પરંતુ ભારતના ગામડાંઓ અને કૃષિના ભવિષ્ય અંગેનો ગંભીર ચેતવણી સંકેત છે.