Gujarat

ગુજરાતમાં આત્મહત્યાના વધતા કેસ ચિંતાજનક, એક વર્ષમાં 8984 લોકોએ જીવન ટૂંકાવ્યું

ગુજરાતમાં વધતા માનસિક તણાવ, પારિવારિક સમસ્યાઓ અને જીવનશૈલીના દબાણ વચ્ચે આત્મહત્યાના બનાવોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના તાજેતરના આંકડા અનુસાર વર્ષ 2024 દરમિયાન રાજ્યમાં કુલ 8,984 લોકોએ આત્મહત્યા કરી હતી. આ આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં દરરોજ સરેરાશ 24થી 25 લોકો મુશ્હાકેલી ઓથી પરેશાન થઇ પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે.

રિપોર્ટ મુજબ આત્મહત્યા કરનારાઓમાં પુરુષોનું પ્રમાણ સૌથી વધુ છે. કુલ બનાવોમાં આશરે 71 ટકા પુરુષો અને 29 ટકા મહિલાઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને 18થી 45 વર્ષની ઉંમરના લોકોમાં આ વલણ વધારે જોવા મળ્યું છે. નિષ્ણાતોના મતે રોજગારનું દબાણ, આર્થિક જવાબદારીઓ, માનસિક તણાવ અને પારિવારિક સંઘર્ષો પુરુષોમાં વધતા આપઘાતના મહત્વના કારણો બની રહ્યા છે.

રાજ્યના કુલ આત્મહત્યાના કેસોમાંથી લગભગ 30 ટકા બનાવ માત્ર ચાર મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં નોંધાયા છે. તેમાં પણ રાજકોટ દેશના સૌથી વધુ આત્મહત્યા દર ધરાવતા શહેરોમાં બીજા ક્રમે હોવાનું સામે આવ્યું છે. મહાનગરોમાં ઝડપથી બદલાતી જીવનશૈલી, સ્પર્ધાત્મક માહોલ અને સામાજિક એકલતા જેવી પરિસ્થિતિઓ માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી રહી હોવાનું માનવામાં આવે છે.

રિપોર્ટમાં આત્મહત્યાના કારણોનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. તેમાં પારિવારિક ઝઘડા, ગંભીર શારીરિક બીમારીઓ અને માનસિક તકલીફો મુખ્ય કારણ તરીકે સામે આવ્યા છે. અંદાજે 40 ટકા કેસોમાં ઘરેલું વિવાદો, સંબંધોમાં તણાવ અથવા લાંબા સમયથી ચાલતી માનસિક સમસ્યાઓ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. કેન્સર, પેરાલિસિસ અને અન્ય ગંભીર બીમારીઓથી પીડાતા લોકોમાં પણ જીવન પ્રત્યે નિરાશા વધતી હોવાનું નિષ્ણાતો કહે છે.

વ્યવસાય અને સામાજિક વર્ગ મુજબ જોવામાં આવે તો દૈનિક મજૂરી કરતા લોકોમાં આત્મહત્યાનું પ્રમાણ સૌથી વધુ નોંધાયું છે. કુલ બનાવોમાં લગભગ 35 ટકા લોકો દૈનિક વેતન પર કામ કરતા મજૂરો હતા. આર્થિક અનિશ્ચિતતા, રોજગારની અછત અને પરિવારનું ભારણ તેમના માટે મોટું દબાણ બની રહ્યું છે. ઉપરાંત લગભગ 20 ટકા ગૃહિણીઓએ પણ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ગૃહિણીઓમાં માનસિક તણાવ, પારિવારિક દબાણ અને સામાજિક એકલતા જેવા પરિબળો જવાબદાર હોવાનું અગાઉના NCRBના અભ્યાસોમાં પણ સામે આવ્યું છે.

વિદ્યાર્થીઓ અને નાના વેપારીઓમાં પણ આત્મહત્યાના કેસોમાં વધારો નોંધાયો છે. પરીક્ષાનું દબાણ, કારકિર્દી અંગેની અનિશ્ચિતતા અને આર્થિક નુકસાનના કારણે યુવાનોમાં ડિપ્રેશન અને નિરાશા વધી રહી હોવાનું માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે સોશિયલ મીડિયા અને સતત વધતી સ્પર્ધા પણ યુવાનોના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરી રહી છે.

રાજ્યવાર સરખામણીમાં ગુજરાતની સ્થિતિ વધુ ચિંતાજનક માનવામાં આવી રહી છે. જ્યાં મહારાષ્ટ્ર, રાજસ્થાન અને પંજાબ જેવા રાજ્યોમાં આત્મહત્યાના દરમાં થોડો ઘટાડો નોંધાયો છે, ત્યાં ગુજરાતમાં 0.4 ટકા વધારો નોંધાયો છે. રાજ્યનો આત્મહત્યા દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ વધુ હોવાનું સામે આવ્યું છે.

માનસિક આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે લોકોમાં માનસિક આરોગ્ય અંગે જાગૃતિ લાવવી હવે સમયની સૌથી મોટી જરૂરિયાત બની ગઈ છે. પરિવાર, મિત્રો અને સમાજ તરફથી યોગ્ય સપોર્ટ ન મળવાથી અનેક લોકો એકલતા અનુભવે છે અને ખોટા પગલાં ભરે છે. નિષ્ણાતો સલાહ આપે છે કે માનસિક તણાવ, ડિપ્રેશન અથવા જીવન પ્રત્યે નિરાશા અનુભવતા લોકો માટે સમયસર કાઉન્સેલિંગ અને સારવાર ખૂબ જરૂરી છે.

ગુજરાતમાં વધતા આત્મહત્યાના આંકડાઓ હવે માત્ર કાયદો-વ્યવસ્થાનો મુદ્દો નથી રહ્યા, પરંતુ સામાજિક અને માનસિક આરોગ્ય સાથે જોડાયેલું ગંભીર ચિંતાનું કારણ બની ચૂક્યા છે. સરકાર અને સમાજ બંને માટે આ સ્થિતિ સામે સંવેદનશીલ અભિગમ અપનાવવાની જરૂરિયાત વધુ સ્પષ્ટ બની રહી છે.

Most Popular

To Top