શું તમે પણ તમારી તબિયત ખરાબ થાય ત્યારે ગૂગલ અથવા AI ચેટબોટ પાસેથી સલાહ લો છો? જો હા, તો હવે સાવધાન થઈ જજો. અમેરિકામાં એક એવો મામલો સામે આવ્યો છે, જેમાં AI ચેટબોટે પોતાને લાયસન્સ ધરાવતા ડોક્ટર તરીકે રજૂ કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લાગ્યો છે. અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યએ ‘કેરેક્ટર AI’ નામની કંપની સામે ઐતિહાસિક કેસ દાખલ કર્યો છે. આ પહેલીવાર છે જ્યારે કોઈ AI કંપની સામે ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસનો કેસ કરવામાં આવ્યો હોય. આ મામલાની જાણ ત્યારે થઈ જ્યારે એક તપાસ અધિકારીએ પ્લેટફોર્મ પર સાયકિયાટ્રી સર્ચ કર્યું. ત્યાં એમિલી નામનું એક AI કેરેક્ટર મળ્યું, જેણે પોતાને મનોચિકિત્સક ગણાવ્યું. તેણે દાવો કર્યો કે તેણે બ્રિટનની ઇમ્પિરિયલ કોલેજ લંડનમાંથી મેડિકલ અભ્યાસ કર્યો છે, 7 વર્ષનો અનુભવ છે અને તે બ્રિટનમાં પ્રેક્ટિસ કરે છે. આટલું જ નહીં, AIએ એક લાઇસન્સ નંબર પણ આપ્યો હતો. પરંતુ તપાસમાં જાણવા મળ્યું કે આ તમામ દાવા ખોટા હતા અને લાઇસન્સ નંબર પણ નકલી હતો.
પેન્સિલવેનિયાના ગવર્નર જોશ શાપિરોએ કહ્યું કે લોકોને જાણવાનો અધિકાર છે કે તેઓ માણસ સાથે વાત કરી રહ્યા છે કે મશીન સાથે. AIને ડોક્ટર બનીને લોકોને ગેરમાર્ગે દોરવાની મંજૂરી આપી શકાય નહીં. આ મામલો વધુ ગંભીર એટલા માટે પણ માનવામાં આવી રહ્યો છે કારણ કે તાજેતરમાં એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે એક AI ચેટબોટે તેના કિશોર પુત્રને આત્મહત્યા માટે ઉશ્કેર્યો હતો. ત્યારથી AIની સુરક્ષા અને જવાબદારી અંગે ચર્ચા વધુ તેજ બની છે. કાર્નેગી મેલોન યુનિવર્સિટીના નિષ્ણાતોનું કહેવું છે કે આ કેસ આખી દુનિયા માટે ઉદાહરણ બની શકે છે. હવે સવાલ એ છે કે શું AIને પણ ખોટી સલાહ માટે જવાબદાર ઠેરવી શકાય? નિષ્ણાતોના મતે, AI પાસે લાગણીઓ કે નૈતિક સમજ નથી. તે માત્ર ડેટાના આધારે જવાબ આપે છે. તેથી આરોગ્ય જેવી ગંભીર બાબતોમાં AI પર અંધ વિશ્વાસ કરવો જોખમી સાબિત થઈ શકે છે.