નવી ગાઈડલાઈન મુજબ કમિટીના 75% સભ્યો વાલીઓમાંથી જ રહેશે
શિક્ષણની ગુણવત્તા અને પારદર્શિતા વધારવા કેન્દ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
(પ્રતિનિધિ) વડોદરા, તા. 7
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા દેશભરની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ માટે મહત્વપૂર્ણ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. નવી ગાઈડલાઈન મુજબ હવે સ્કૂલ મેનેજમેન્ટ કમિટિ (SMC)માં 75 ટકા સભ્યો વિદ્યાર્થીઓના વાલીઓમાંથી જ રહેશે. આ નિર્ણયથી શાળા સંચાલનમાં વાલીઓની ભાગીદારી અને જવાબદારીમાં નોંધપાત્ર વધારો થશે.
અત્યાર સુધી સ્કૂલ મેનેજમેન્ટ કમિટીમાં વાલીઓનું પ્રતિનિધિત્વ મર્યાદિત હતું, પરંતુ હવે કમિટીના કુલ સભ્યોમાંથી ત્રણ-ચતુર્થાંશ એટલે કે 75 ટકા સભ્યો વાલીઓમાંથી નિયુક્ત કરવાના રહેશે. બાકીના 25 ટકા સભ્યોમાં શિક્ષકો, સ્થાનિક સત્તાધીશો અને શિક્ષણવિદોનો સમાવેશ કરવામાં આવશે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયનો મુખ્ય ઉદ્દેશ શાળાના વહીવટમાં વધુ પારદર્શિતા લાવવાનો અને વાલીઓને સીધી રીતે નિર્ણય પ્રક્રિયામાં જોડવાનો છે. વાલીઓની સક્રિય ભાગીદારીથી શાળાના વિકાસ, શિક્ષણની ગુણવત્તા, વિદ્યાર્થીઓની હાજરી તેમજ શાળાની મૂળભૂત સુવિધાઓ અંગે વધુ અસરકારક નિર્ણયો લઈ શકાશે.
RTE એક્ટ-2009 હેઠળ સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની રચના ફરજિયાત છે, જેને હવે વધુ સશક્ત બનાવવામાં આવી રહી છે. મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નવી ગાઈડલાઈનનો તાત્કાલિક અમલ કરવા સૂચના આપી છે. શાળાઓએ નવા નિયમ મુજબ કમિટીની પુનઃરચના કરીને તેનો અહેવાલ શિક્ષણ વિભાગને મોકલવાનો રહેશે.
શિક્ષણ નિષ્ણાતોના મતે, આ નિર્ણયથી શાળા અને વાલીઓ વચ્ચે સંવાદ વધશે તેમજ બાળકોના સર્વાંગી વિકાસ માટે વધુ સકારાત્મક અને જવાબદાર વાતાવરણ ઊભું થશે.