SURAT

સુરત SBI લૂંટ કેસમાં મોટો ખુલાસો: UPમાંથી 2 આરોપી ઝડપાયા

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી SBI બેંકમાં થયેલી આશરે 50 લાખ રૂપિયાની લૂંટના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચ (DCB)એ સઘન તપાસ અને ટેક્નિકલ એનાલિસિસના આધારે ઉત્તર પ્રદેશના અયોધ્યા અને ગોંડા વિસ્તારમાંથી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીઓના નામ શુભમ કુમાર અજીત ઠાકુર અને વિકાસ સિંહ અરુણ કુમાર સિંહ છે. બંનેને હવે કાયદેસરની પ્રક્રિયા મુજબ ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લઈ સુરત લાવવામાં આવશે, જ્યાં તેમની વધુ પૂછપરછ કરવામાં આવશે. આ લૂંટની ઘટના વરાછાના એલ.એચ. રોડ પર આવેલી SBI બ્રાન્ચમાં ધોળે દિવસે બની હતી. માહિતી મુજબ, પાંચથી વધુ લૂંટારૂઓ હથિયારો સાથે બેંકમાં ઘૂસ્યા હતા. તેમણે બેંકના કર્મચારીઓ અને ગ્રાહકોને ધમકાવીને બંધક બનાવ્યા અને આશરે 50 લાખ રૂપિયા સાથે મોબાઈલ ફોન લૂંટી લીધા. લૂંટારૂઓ ત્રણ બાઈક પર ફરાર થઈ ગયા હતા.

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ ખૂબ જ પ્લાનિંગ સાથે સુરતમાં આવ્યા હતા. લૂંટ પહેલાં તેઓ લગભગ એક મહિના સુધી શહેરમાં રહ્યા હતા અને રાંદેર વિસ્તારમાં ભાડે રૂમ લીધો હતો. આ રૂમ પણ ફેક આધાર કાર્ડથી ભાડે લેવામાં આવ્યો હતો. લૂંટ પહેલાં લગભગ 10 દિવસ પહેલા તેમણે રૂમ ખાલી કરી દીધો હતો જેથી તેમની ઓળખ છુપાવી શકાય. લૂંટ માટે વપરાયેલી બાઈક પણ ફેક આઈડીથી ખરીદવામાં આવી હતી. એક બાઈક તેલંગાણાથી ડુપ્લિકેટ આધાર કાર્ડ વડે ખરીદાઈ હતી. બીજી સ્પ્લેન્ડર બાઈક સુરતના ખટોદરા વિસ્તારમાંથી ચોરી કરેલી હોવાનું સામે આવ્યું છે. જ્યારે ત્રીજી બાઈકના નંબર સાથે ચેડાં કરવામાં આવ્યા હતા જેથી તેની ઓળખ સરળતાથી થઈ ન શકે. પોલીસને તપાસમાં ટેક્નોલોજીની મદદ પણ મળી. શહેરમાં લગાવવામાં આવેલા ANPR કેમેરા (Automatic Number Plate Recognition) અને CCTV ફૂટેજ દ્વારા આરોપીઓની હિલચાલ ટ્રેક કરવામાં આવી. 16 એપ્રિલના રોજ આરોપીઓ એરપોર્ટ રોડ પર કેમેરામાં કેદ થયા હતા. આ સિવાય મોબાઈલ ટાવર ડેટા અને કોલ રેકોર્ડના આધારે પણ પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી.

આ કેસમાં 120થી વધુ પોલીસ જવાનો સતત કામ કરી રહ્યા હતા. અનેક દિવસોની મહેનત બાદ પોલીસે મહત્વની કડીઓ મેળવી અને આખરે આરોપીઓને પકડવામાં સફળતા મેળવી. હવે પોલીસ તેમની પાસે વધુ માહિતી મેળવવા અને અન્ય સાગરિતો સુધી પહોંચવા પ્રયાસ કરશે. આ લૂંટકાંડ પછી SBI બેંકના કર્મચારીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. તેઓએ 25 અને 26 તારીખે હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે. કર્મચારીઓનું કહેવું છે કે બેંકમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા નથી. કેશ હેન્ડલિંગ માટે ખાનગી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, પરંતુ સુરક્ષા ગાર્ડ્સને યોગ્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતા નથી. બેંકમાં સ્ટાફની અછત પણ મોટી સમસ્યા બની રહી છે. આ મુદ્દે ઘણીવાર રજૂઆત છતાં ઉકેલ ન આવતા કર્મચારીઓએ હડતાળનો માર્ગ અપનાવ્યો છે. આ સમગ્ર ઘટના દર્શાવે છે કે લૂંટારૂઓએ ખૂબ જ શાતિર રીતે પ્લાનિંગ કરીને ગુનો કર્યો હતો, પરંતુ પોલીસની ટેક્નિકલ તપાસ અને સતત મહેનતના કારણે આખરે તેઓ કાયદાના હાથમાં આવી ગયા છે.

Most Popular

To Top