દેશની આર્થિક સ્થિતિ અંગે સકારાત્મક સંકેત આપતા આંકડા સામે આવ્યા છે. સરકારની તિજોરીમાં આવકનો મોટો વધારો નોંધાયો છે. એપ્રિલ મહિનામાં કુલ જીએસટી (GST) કલેક્શન રૂ. 2.43 લાખ કરોડ સુધી પહોંચ્યું છે, જે અત્યાર સુધીનું સૌથી ઊંચું સ્તર છે. આ સાથે સરકારે આવકનો નવો રેકોર્ડ બનાવ્યો છે. આ વધારો ખાસ મહત્વનો છે કારણ કે વૈશ્વિક સ્તરે અનેક પડકારો સામે આવી રહ્યા છે. ખાસ કરીને ઈરાન સાથેના તણાવને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે, છતાં પણ ભારતનું જીએસટી કલેક્શન વધ્યું છે. આથી સ્પષ્ટ થાય છે કે દેશની આર્થિક પ્રવૃત્તિઓ મજબૂત છે અને બજારમાં વેપાર-વહિવટ સારી રીતે ચાલી રહ્યો છે.
આ પહેલાં સૌથી વધુ જીએસટી કલેક્શન ગયા વર્ષે એપ્રિલ મહિનામાં નોંધાયું હતું, જે લગભગ રૂ. 2.23 લાખ કરોડ હતું. આ વર્ષે તેમાં લગભગ 8.7 ટકા વધારો થયો છે, જે નોંધપાત્ર ગણાય છે. જીએસટી આવકના વિવિધ સ્ત્રોતોમાં પણ વધારો જોવા મળ્યો છે. સ્થાનિક વ્યવહારોમાંથી મળતી આવકમાં 4.3 ટકા વધારો નોંધાયો છે, જે હવે રૂ. 1.85 લાખ કરોડથી વધુ થઈ ગઈ છે. બીજી તરફ, આયાતમાંથી મળતી જીએસટી આવકમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. એપ્રિલ 2026માં આયાત પરથી જીએસટી કલેક્શન 25.8 ટકા વધી રૂ. 57,580 કરોડ સુધી પહોંચ્યું છે.
વિભાગવાર જોઈએ તો, સેન્ટ્રલ જીએસટી (CGST) અને સ્ટેટ જીએસટી (SGST)ની આવક અનુક્રમે રૂ. 52,140 કરોડ અને રૂ. 61,331 કરોડ રહી છે. જ્યારે ઇન્ટિગ્રેટેડ જીએસટી (IGST) કલેક્શન રૂ. 1.29 લાખ કરોડથી વધુ રહ્યું છે, જે કુલ આવકમાં સૌથી મોટો હિસ્સો ધરાવે છે. આ સમયગાળા દરમિયાન રિફંડમાં પણ વધારો થયો છે. એપ્રિલ મહિનામાં રિફંડ 19.3 ટકા વધીને રૂ. 31,793 કરોડ સુધી પહોંચ્યું છે. રિફંડ બાદ જો નેટ જીએસટી કલેક્શન જોઈએ તો તે 7.3 ટકા વધીને રૂ. 2.11 લાખ કરોડ રહ્યું છે. આ આંકડાઓથી સ્પષ્ટ થાય છે કે નવા નાણાકીય વર્ષના પ્રથમ મહિનામાં જ અર્થતંત્રે મજબૂત શરૂઆત કરી છે. વેપાર, ઉદ્યોગ અને આયાત-નિકાસ પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ થવાને કારણે જીએસટી આવકમાં વધારો થયો છે. આ સરકાર માટે સકારાત્મક સંકેત છે અને આવનારા સમયમાં વિકાસની ગતિ વધુ વધવાની શક્યતા દર્શાવે છે.
રાજ્યોની વાત કરીએ તો, જીએસટી કલેક્શનમાં ટોચના પાંચ રાજ્યોમાં મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને છે, જ્યાંથી આશરે રૂ. 13,793 કરોડની આવક થઈ છે. ત્યારબાદ કર્ણાટક (રૂ. 5,829 કરોડ), ગુજરાત (રૂ. 5,455 કરોડ), તમિલનાડુ (રૂ. 4,724 કરોડ) અને ઉત્તર પ્રદેશ (રૂ. 4,399 કરોડ)નો સમાવેશ થાય છે.