રજત પાટીદારનો સ્પષ્ટ સ્વીકાર, મિડલ ઓર્ડર ફ્લોપ થતાં બેન્ગલુર ને ભોગવવો પડ્યો પરાજય
IPL 2026માં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલા મહત્વપૂર્ણ મુકાબલામાં ગુજરાત ટાઇટન્સ (GT) સામે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ને 4 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. મેચ બાદ RCBના કેપ્ટન રજત પાટીદારે ખુલ્લેઆમ સ્વીકાર્યું કે ટીમ દ્વારા બનાવેલો સ્કોર જીત માટે પૂરતો નહોતો.
RCBને પ્રથમ બેટિંગ કરવા મોકલવામાં આવી હતી અને ટીમ માત્ર 155 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. દેવદત્ત પડિક્કલે સૌથી વધુ 40 રન બનાવ્યા જ્યારે વિરાટ કોહલીએ ઝડપી 28 રનની ઇનિંગ રમી. પરંતુ મિડલ ઓર્ડરના સતત વિકેટ પડતાં ટીમ મોટો સ્કોર ઉભો કરી શકી નહોતી.
મિડલ ઓર્ડરનો ધરાશાયી પ્રદર્શન બન્યો પરાજયનું કારણ
RCBની ઇનિંગ દરમિયાન મધ્યક્રમમાં ઝડપી વિકેટ પડતાં ટીમની રનગતિ ધીમી પડી ગઈ. આ કારણે ટીમ 170-180 જેટલો મજબૂત સ્કોર બનાવી શકી નહોતી. કેપ્ટન રજત પાટીદારે મેચ પછી જણાવ્યું કે ટીમે બેટિંગમાં થોડું ઓછું પ્રદર્શન કર્યું અને તેનો જ પરિણામ હાર રૂપે મળ્યો. પાટીદારે કહ્યું કે, “અમારો સ્કોર પૂરતો નહોતો, છતાં બોલરોએ મેચને 15-16 ઓવર સુધી ખેંચી સકારાત્મક સંકેત આપ્યો.”
શુભમન ગિલની ઝડપી શરૂઆતથી GTનો દબદબો
155 રનના લક્ષ્યનો પીછો કરતા ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે માત્ર 18 બોલમાં 43 રનની ઝડપી ઇનિંગ રમીને મેચનું પાસું શરૂઆતમાં જ ફેરવી દીધું. GTએ આ ટાર્ગેટ 15.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો.
બોલિંગમાં ભુવનેશ્વર કુમારની અસરકારક કામગીરી : RCB તરફથી અનુભવી બોલર ભુવનેશ્વર કુમારે મહત્વપૂર્ણ ત્રણ વિકેટ ઝડપી ટીમને મેચમાં પાછી લાવવાનો પ્રયાસ કર્યો. પાટીદારે તેમના પ્રદર્શનની પ્રશંસા કરતા જણાવ્યું કે T20 ફોર્મેટમાં તેમની અનુભવી બોલિંગ ટીમ માટે મોટી શક્તિ છે.
પોઈન્ટ્સ ટેબલ પર અસર
આ જીત સાથે ગુજરાત ટાઇટન્સે પ્લેઓફની રેસમાં પોતાની સ્થિતિ મજબૂત કરી છે, જ્યારે બીજા ક્રમે રહેલી RCBને મહત્વનો ઝટકો લાગ્યો છે અને સ્પર્ધા વધુ રસપ્રદ બની છે.
પાટીદારનો સંદેશ – ટેબલ નહીં, પ્રદર્શન પર ધ્યાન
પરાજય છતાં રજત પાટીદારે ટીમના મનોબળને મજબૂત રાખવાનો પ્રયાસ કર્યો. તેમણે જણાવ્યું કે ટીમ હાલ પોઈન્ટ્સ ટેબલ વિશે વિચારી રહી નથી અને દરેક મેચમાં સારા ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરશે.