વડોદરા તા.30
વડોદરા શહેરમાંથી એક ચિંતાજનક બનાવ સામે આવ્યો છે. જેમાં MBBSના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી અચાનક ગુમ થતા પરિવાર અને પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે.
વડોદરામા MBBSના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો પારસભાઈ પ્રકાશભાઈ મકવાણા ગત તા. 28 એપ્રિલના રોજ બપોરે અંદાજે 15:51 કલાક બાદ ગુમ થઈ જવાના બનાવે ચકચાર મચાવી છે.
પારસભાઈ એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે આવેલ ન્યુ બોય્સ હોસ્ટેલ, બ્લોક-એ, રૂમ નંબર 808માંથી બહાર નીકળ્યા બાદથી પરત ફર્યા નથી. આ અંગે તેમના પિતા પ્રકાશભાઈ મકવાણાએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની નોંધ કરાવી છે. ગુમ થયેલા પારસભાઈ મૂળ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ઢુંઢી ગામના વતની છે. પોલીસે ગુમ થયેલા વિદ્યાર્થીની શોધખોળ શરૂ કરી છે અને નાગરિકોને અપીલ કરી છે કે, કોઈપણ વ્યક્તિને પારસભાઈ અંગે માહિતી મળે તો તરત જ રાવપુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયુ છે.