National

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કાળઝાળ અકસ્માત, કારમાં આગથી એક જ પરિવારના 5 સદસ્યોએ જીવ ગુમાવ્યો

રાજસ્થાનના અલવર જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર બુધવારે મોડી રાત્રે એક ખુબ જ દુઃખદ અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ સભ્યો જીવતા જ આગમાં ભુંજાઈ ગયા હતા. તેઓ વૈષ્ણોદેવીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે રસ્તામાં આ દુર્ઘટના બની હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ ઘટના રાત્રે લગભગ 1 વાગ્યે મોજપુર નજીક પિલર નંબર 115/300 પાસે બની હતી. કાર દિલ્હીથી કોટા તરફ જઈ રહી હતી. અચાનક કારમાં આગ લાગી અને થોડી જ પળોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે કારમાં બેઠેલા લોકોને બહાર નીકળવાની તક જ મળી નહોતી.

આ દુર્ઘટનામાં મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લાના રહેવાસી એક જ પરિવારના પાંચ લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતકોમાં ત્રણ મહિલાઓ, એક બાળકી અને એક પુરુષનો સમાવેશ થાય છે. પરિવાર વૈષ્ણોદેવીના દર્શન કર્યા બાદ પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો, પરંતુ રસ્તામાં જ આ દુર્ઘટનાએ તેમની જિંદગી છીનવી લીધી. કારના ડ્રાઈવર વિનોદ કુમાર મેહરએ કારમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો, પરંતુ તે ગંભીર રીતે દાઝી ગયા છે. તેમને લગભગ 80 ટકા બર્ન ઇજાઓ પહોંચી છે. શરૂઆતમાં તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને પછી વધુ સારવાર માટે અલવર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. હાલ તેમની સ્થિતિ ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

ઘટનાની જાણ થતાં જ NHAI ની પેટ્રોલિંગ ટીમ, પોલીસ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ એટલી ભયાનક હતી કે ફાયર બ્રિગેડની બે ગાડીઓએ ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લઈને તપાસ શરૂ કરી છે. શરૂઆતની તપાસમાં કારમાં ટેક્નિકલ ખામી કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ઘટનાનું સાચું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પરિવારના પાંચ સભ્યોના એકસાથે થયેલા મોતથી તેમના ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. સગા-સંબંધીઓ અને ગામલોકો આ દુઃખદ ઘટનાથી સ્તબ્ધ બની ગયા છે. પોલીસ હવે મૃતકોની ઓળખ અને પરિવારજનોને જાણ કરવાની કાર્યવાહી કરી રહી છે.

Most Popular

To Top