અમેરિકાથી આવેલા પુત્ર-પુત્રવધૂ માતાનો ચહેરો જોઈ ચોકી ઉઠ્યા, હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી સામે પરિવારનો ભારે હોબાળો
સિસ્ટમ ફેલ હતી કે વહીવટી તંત્રની સંવેદના ?
(પ્રતિનિધિ), વડોદરા. તા.29
વડોદરાની સૌથી મોટી સરકારી હોસ્પિટલના વહીવટી તંત્રની ‘ઘોર’ બેદરકારીએ આજે તમામ સીમાઓ વટાવી દીધી છે. જે હોસ્પિટલમાં જીવતા માણસોને સારવાર મળવાની આશા હોય છે, ત્યાં હવે મૃતદેહો પણ સુરક્ષિત નથી. સરદાર ભવન વિસ્તારના વ્યાસ પરિવારની 70 વર્ષીય માતાના મૃતદેહ સાથે જે ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે, તેણે સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. કોલ્ડ સ્ટોરેજમાં રખાયેલો દેહ માત્ર 48 કલાકમાં કુદરતી રીતે નહીં, પણ તંત્રની નિષ્કાળજીને કારણે કહોવાઈ ગયો હતો.
મૃતક રંજનબેન વ્યાસના અવસાન બાદ તેમના પુત્ર અને પુત્રવધૂ અમેરિકાથી ભારત પહોંચે ત્યાં સુધી દેહને સાચવવા માટે વિશ્વાસ સાથે હોસ્પિટલના કોલ્ડ રૂમમાં સોંપવામાં આવ્યો હતો. આજે સવારે જ્યારે સાત સમંદર પારથી સંતાનો માતાના અંતિમ દર્શનની આશા સાથે પીએમ રૂમ ખાતે પહોંચ્યા, ત્યારે ત્યાંનું દ્રશ્ય કાળજું ચીરી નાખે તેવું હતું.
ફ્રીઝરમાં હોવા છતાં મૃતદેહ વિકૃત થઈ ગયો હતો, ચહેરો ઓળખી શકાય તેમ નહોતો અને આખા રૂમમાં અસહ્ય દુર્ગંધ ફેલાયેલી હતી. આ દ્રશ્ય જોતા જ પુત્ર હોસ્પિટલના ફ્લોર પર ફસડાઈ પડ્યો હતો. એક દીકરા માટે આનાથી મોટી કમનસીબી શું હોઈ શકે કે તે પોતાની માતાનો છેલ્લી વાર ચહેરો પણ ન જોઈ શક્યો ?
ત્યારે પ્રશ્ન એ ઉઠે છે કે જો કોલ્ડ રૂમનું તાપમાન જળવાતું નહોતું તો સ્ટાફ શું કરતો હતો ? શું બે દિવસ સુધી કોઈએ ચેકિંગ કરવાની તસ્દી નહોતી લીધી ? સૂત્રોના જણાવ્યા અનુસાર, કોલ્ડ સ્ટોરેજની મશીનરી જૂની પુરાણી છે અને અવારનવાર બંધ થઈ જાય છે, છતાં સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી. પરિવારે લાખો રૂપિયા ખર્ચીને અમેરિકાથી ટિકિટ કરાવી માતાના દર્શન માટે દોડી આવ્યા, પણ હોસ્પિટલની બેદરકારીએ તેમને આજીવન ન ભુલાય તેવું દુઃખ આપ્યું છે.
મૃતકના પરિવારજનોએ હોસ્પિટલ કેમ્પસમાં ભારે હોબાળો મચાવ્યો હતો. હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ સામે કડક પોલીસ ફરિયાદ કરવાની ચીમકી આપતા પરિવારે જણાવ્યું હતું કે, આ માત્ર ટેકનિકલ ખામી નથી, આ અમારી લાગણીઓનું ખૂન છે. જો સરકારી હોસ્પિટલ એક મૃતદેહને પણ માનભેર સાચવી શકતી ન હોય, તો આ મસમોટી ઇમારતોનો શું અર્થ ?
શું કોલ્ડ સ્ટોરેજમાં તાપમાન માપવા માટે કોઈ ઓટોમેટિક એલાર્મ સિસ્ટમ નથી ? જો મશીનરી ખોટકાઈ હતી, તો પરિવારને જાણ કેમ ન કરવામાં આવી ? જવાબદાર સ્ટાફ સામે માત્ર નોટિસ આપીને મામલો ઠંડો પાડી દેવાશે કે કડક પગલાં ભરાશે ?
આ ઘટનાએ વડોદરાની આરોગ્ય વ્યવસ્થાના ચીંથરેચીંથરા ઉડાવી દીધા છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર આ ‘ઘોર ખોદનારા’ તત્વો સામે કેવા પગલાં ભરે છે.