Vadodara

વડોદરામાં ‘પોસ્ટર વોર’: મતદાનના ગણતરીના કલાકો અગાઉ માંજલપુરમાં ‘આયાતી’ ઉમેદવારનો ઉગ્ર વિરોધ

ગઢમાં જ ગાબડું? પક્ષના જ અસંતુષ્ટ નેતાઓ અને કાર્યકર્તાઓએ મોરચો માંડ્યો હોવાની ચર્ચા

વડોદરામાં સ્થાનિક રાજકારણનો ગરમાવો હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને મતદાનના આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે માંજલપુર વિસ્તારમાં સામે આવેલા વિરોધના સુરથી રાજકીય ગલિયારાઓમાં ખળભળાટ મચી ગયો છે. અહીં ‘વડોદરા જાગૃતિ સમિતિ’ના નામે ઠેર-ઠેર બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવ્યા છે, જેમાં મતદારોને સ્પષ્ટ અપીલ કરવામાં આવી છે કે તેઓ માત્ર સ્થાનિક ઉમેદવારને જ પસંદ કરે અને ‘આયાતી’ ઉમેદવારથી દૂર રહે.
આ ઘટનાએ ભાજપના આંતરિક અસંતોષને જાહેરમાં લાવી દીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પક્ષના જ કેટલાક નારાજ નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા આ પોસ્ટર વોર શરૂ કરવામાં આવ્યું હોય તેવું જણાઈ રહ્યું છે. આ અગાઉ પણ જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ હતી, ત્યારે વોર્ડ નંબર 18 માં એક વરિષ્ઠ નેતાએ જાહેરમાં જ આયાતી ઉમેદવારનો વિરોધ કરવા માટે કાર્યકર્તાઓને હાકલ કરી હતી. તે વિવાદ હજુ શમ્યો નથી ત્યાં જ મતદાનના આગલા દિવસે માંજલપુરમાં લાગેલા આ બોર્ડ એ વિરોધની જ્વાળામાં ઘી હોમવાનું કામ કર્યું છે.
માંજલપુરના મુખ્ય માર્ગો અને સોસાયટીઓ બહાર લાગેલા આ બેનરોમાં લખવામાં આવ્યું છે કે, “સ્થાનિક ઉમેદવારને મતદાન કરશો, આયાતી ઉમેદવારને મતદાન કરવાથી દૂર રહેશો.” આ પ્રકારના લખાણથી મતદારોમાં પણ અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. ચૂંટણી ટાણે જ ઘર આંગણે ઉભો થયેલો આ વિરોધ પક્ષના સત્તાવાર ઉમેદવાર માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. હાલમાં આ પોસ્ટરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યા છે, જેના કારણે માંજલપુર બેઠક પરના ચૂંટણીના સમીકરણોમાં મોટો પલટો આવવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કે લોકશાહીનો અવાજ, આ વિવાદ હવે મતપેટીમાં શું પરિણામ લાવે છે તે જોવું રહ્યું.

Most Popular

To Top