પોતાના થોડા સેવિંગ અને પપ્પા પાસેથી પૈસા લઈને રાકેશે પોતાનો એક નાનો બિઝનેસ શરૂ કર્યો. તે મહેનત કરતો પણ બિઝનેસ જોઈએ એવો જામતો ન હતો.એક દિવસ રાકેશ નિરાશ થઈને ઘરે આવ્યો. હીંચકા પર બેઠેલા દાદા તરત સમજી ગયા કે કૈંક તો વાત છે. તેમણે રાકેશને કહ્યું, ‘‘બેટા શું થયું, કેમ આમ નિરાશ લાગે છે?’’ રાકેશે કહ્યું, ‘દાદા આજે બહુ મોટો ઓર્ડર મળવાનો હતો પણ છેલ્લી ઘડીએ વાત પડી ભાંગી. હવે શું કરું તે જ સમજાતું નથી.’
દાદાએ કહ્યું, ‘વાંધો નહિ બેટા તું હિંમત ન હાર, મનથી હાર ન માન. આજે ઓર્ડર નથી મળ્યો તો કાલે મળશે. બસ તું મહેનત ચાલુ રાખ.’’ રાકેશે ખિન્ન મન સાથે કહ્યું, ‘‘દાદા આમ જ મન મનાવવું પડે છે.’’ દાદાએ કહ્યું, ‘‘દીકરા, તને ખબર છે, હું ગામડેથી અહીં કમાવા આવ્યો ત્યારે મારી પાસે ખિસ્સામાં બે રૂપિયા જ હતા. કાપડ બજારમાં ગુણીઓ ઉપાડવાની મજૂરી કરવાથી મેં શરૂઆત કરી અને ધીમે ધીમે આગળ વધી એજન્ટ બન્યો.પોતાનું કામ શરૂ કર્યું અને ઘણું કમાયો હતો.’’
રાકેશને દાદાની સંઘર્ષભરી વાતોમાં રસ પડ્યો.રાકેશે પૂછ્યું, ‘‘દાદા, આટલી પ્રગતિ કઈ રીતે કરી?’’ દાદાએ હસતાં હસતાં કહ્યું, ‘‘હિંમતથી અને મનથી ક્યારેય હાર ન સ્વીકારી ને… એમ નથી કે મને જે કર્યું તેમાં સફળતા મળી છે, હું પણ હાર્યો છું. એક વાર તારી દાદીના દાગીના ગિરવે મૂકી મોટો સોદો કર્યો હતો અને સોદો ફોક થયો. મોટું નુકસાન ગયું.પણ હું હિંમત ન હાર્યો, બમણી મહેનત કરવી શરૂ કરી.મોટા વેપારીને ત્યાં મેનેજરની નોકરી કરી, સાથે સાથે મારા ધંધાને પણ ચાલુ રાખ્યો. રાત્રે માત્ર ચાર કલાક સૂતો.પૈસા બચાવવાની શરૂઆત કરી, મોટા વેપારીને ત્યાં મને ઘણું શીખવા મળ્યું જેનો મેં મારો ધંધો વિકસાવવામાં ઉપયોગ કર્યો.’’
રાકેશે પૂછ્યું, ‘‘દાદા, વેપારી હતા તેમાંથી ફરી નોકરી કરવી પડી, તમને શરમ ન આવી?’’ દાદાએ કહ્યું, ‘‘દીકરા, જરૂરિયાત બધું જ કરાવે અને કામ કરવામાં નાનમ શાની…કોઈ પાસે હાથ લાંબો કરવા કરતાં જાત મહેનતથી જે કંઈ નાનું કામ મળે તે કરી લેવું.જો મારા અનુભવ પરથી જે શીખ્યો છું તે તને કહું છું. હંમેશા હિંમતથી આગળ વધવાનાં સપનાં જોવાં… નિષ્ફળતા મળે તો હિંમત ન હારવી અને મહેનત કરવામાં કચાશ ન રાખવી. હંમેશા નવું શીખતાં રહેવું. ક્યારેક તો તે કામ લાગશે જ, મનથી નહિ હારો તો જીવનમાં ક્યારેય નહિ હારો. મારી આ વાત ગાંઠે બાંધી લેજે.’’ દાદાએ પૌત્રને પોતાના સંઘર્ષની વાત કરતાં જીવનનો પાઠ શીખવ્યો.