હું જ્યાં રહું છું એ છાપરા રોડ લગભગ ચાર લેન બની ચૂક્યો છે. નવસારી મનપાએ રોડ પર મઝાની શેરી લાઈટો મુકાવી દીધી છે જે રાત્રે સરસ નજારો પેસ કરે છે. પરંતુ રોડનું એક બદસૂરત પાસુ છે રોડ પરનાં બિહામણા ગટર ઢાંકણા – જે ઘણી જગ્યાએ ક્યાં તો રોડની સપાટીથી છ ઇંચ ઉપર ડોકિયા કરતા અથવા તો તૂટીને રોડની સપાટીની અંદર ધસેલા હોય છે. સ્વભાવિક છે, વાહન ચાલકોએ અકસ્માત ટાળવા આ ઢાંકણોનો ખ્યાલ રાખી બાજુએથી રસ્તો કાઢવો પડે છે.
હમણાં સુરત ખાતે પણ આવા એક ગટર ઢાંકણા જોડે વાહન અથડાતા અકસ્માત જીવલેણ નીવડયાના સમાચાર હતાં. આપણે ટેક્નોલોજીના યુગમાં જીવી રહ્યા છીએ, સ્માર્ટ શહેરો બનાવવાની વાતો કરીએ છીએ પરંતુ સર્વવ્યાપક આવી એક સામાન્ય સમસ્યાનો ટકાઉ એન્જિનિયરિંગ ઉકેલ મેળવી શકતા નથી.! સરકારી તંત્રમાં બેઠેલા લાગતાવળગતા મહાનુભાવોને મારી નમ્ર અરજ છે કે આ સમસ્યાનો ટકાઉ ઉકેલ શોધી તેનો અમલ કરવામાં આવે.
નવસારી – કમલેશ આર મોદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે