Gujarat

બનાસકાંઠામાં જગદીશ વિશ્વકર્મા – “કોંગ્રેસે પ્રજાનેગરીબીમાં રાખી, ભાજપે વિકાસના રાજકારણનો નવો યુગ શરૂ કર્યો”

ગાંધીનગર

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે આયોજિત ‘વિકાસ સંકલ્પ સભા’માં ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસની દાયકાઓ જૂની નીતિઓ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીએ દેશને જ્ઞાતિ, જાતિ અને ધર્મના રાજકારણમાંથી મુક્ત કરી ‘વિકાસ આધારિત રાજનીતિ’નો નવો યુગ શરૂ કર્યો છે.

વિશ્વકર્માએ બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ ડેરીનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે આજે બનાસ ડેરી ₹22,000 કરોડનું ટર્નઓવર કરી રહી છે અને તેના ઉત્પાદનો વિદેશમાં નિકાસ થઈ રહ્યા છે, જેનો તમામ શ્રેય પશુપાલક માતાઓ અને બહેનોને જાય છે. સાથોસાથ તેમણે ઐતિહાસિક સહાયનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે કમોસમી વરસાદ બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે રૂ. 25,000 કરોડનું ઐતિહાસિક પેકેજ જાહેર કરીને ખેડૂતો પ્રત્યેની પોતાની સંવેદનશીલતા સાબિત કરી છે અને ભાજપ સરકાર હંમેશા ખેડૂતોના પડખે ઊભી રહી છે. ધાનેરા માટે ₹3,000 કરોડના વિકાસ પ્રકલ્પોની વિગતો આપતા પ્રદેશ અધ્યક્ષે વધુમાં જણાવ્યું કે ૫૭ ગામોમાં પીવાનું પાણી પહોંચાડવા માટે ₹1,500 કરોડની ફાળવણી કરવામાં આવી છે તથા સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને નવી સરકારી કોલેજની મંજૂરી પણ આપવામાં આવી છે. આ ઉપરાંત સરકારી લાઈબ્રેરી અને થાવર-ઝેરડા હાઈવે સહિત કુલ ₹3,000 કરોડના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ ધાનેરાને ફાળવવામાં આવ્યા છે.

કોંગ્રેસ પર નિશાન સાધતા વિશ્વકર્માએ કહ્યું હતું કે, કોંગ્રેસે વર્ષો સુધી નાગરિકોને ગરીબી અને અશિક્ષામાં રાખવાનો જ પ્રયાસ કર્યો છે. તેનાથી વિપરીત, ભાજપ સરકારે દરેક નાગરિકને જન ધન યોજના દ્વારા બેંકિંગ સાથે જોડ્યા, સ્વચ્છતા માટે શૌચાલયો બનાવ્યા અને અન્ન સુરક્ષા જેવી મૂળભૂત સુવિધાઓ ઘર-ઘર સુધી પહોંચાડીને જનકલ્યાણને પ્રાથમિકતા આપી છે. તેમણે કહયું હતું કે, પીએમ મોદીએ ‘દરેક ખેતરમાં પાણી અને દરેક હાથને કામ’ના મંત્ર સાથે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કર્યું છે. અંતમાં, તેમણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે નાગરિકોને આહ્વાન કર્યું હતું.

Most Popular

To Top