World

ભારતે ફરી બતાવી મિત્રતા, સંકટમાં માલદીવ્સને ભારતે 30 અબજ રૂપિયાની આર્થિક મદદ કરી

ભારત અને માલદીવ્સ વચ્ચેના સંબંધોમાં ફરી એકવાર મજબૂતી જોવા મળી છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલા માલદીવ્સ માટે ભારતે મહત્વપૂર્ણ મદદની જાહેરાત કરી છે. ભારતે લગભગ 30 અબજ રૂપિયા, એટલે કે અંદાજે 400 મિલિયન ડોલરનો કરન્સી સ્વાપ સપોર્ટનો પહેલો હપ્તો મંજૂર કર્યો છે. માલદીવ્સમાં આવેલી ભારતીય એમ્બસીએ આ બાબતની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે આ સહાય માલદીવ્સની નાણાકીય સ્થિરતા જાળવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ સહાય ભારતીય રિઝર્વ બેંક અને માલદીવ્સ સરકાર વચ્ચે થયેલા SAARC કરન્સી સ્વાપ ફ્રેમવર્ક હેઠળ આપવામાં આવી રહી છે. ઓક્ટોબર 2024માં માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ ભારત આવ્યા ત્યારે આ બાબતે સમજૂતી થઈ હતી. હાલમાં માલદીવ્સ વિદેશી મુદ્રાના ભંડારની અછત અને વધતા દેવાના બોજને કારણે આર્થિક દબાણ અનુભવી રહ્યું છે. આવી સ્થિતિમાં ભારતની આ મદદ તેના માટે મોટી રાહત સમાન બની છે.

ભારત લાંબા સમયથી માલદીવ્સનો વિશ્વસનીય અને નજીકનો ભાગીદાર રહ્યો છે. વર્ષ 2012થી શરૂ થયેલા આ કરન્સી સ્વાપ ફ્રેમવર્ક હેઠળ ભારત અત્યાર સુધીમાં માલદીવ્સને 1.1 અબજ ડોલરથી વધુની મદદ આપી ચૂક્યું છે. અગાઉ પણ ભારતે 100 મિલિયન ડોલરના ટ્રેઝરી બિલ્સને રોલઓવર કરીને માલદીવ્સને તાત્કાલિક નાણાકીય રાહત આપી હતી. SAARC કરન્સી સ્વાપ ફ્રેમવર્ક દક્ષિણ એશિયાના દેશો માટે એક પ્રકારનું આર્થિક સુરક્ષા કવચ છે. જ્યારે કોઈ દેશને વિદેશી મુદ્રાની તંગીનો સામનો કરવો પડે, ત્યારે આ વ્યવસ્થા હેઠળ તેને તાત્કાલિક સહાય મળી શકે છે. ખાસ કરીને માલદીવ્સ જેવા દેશો માટે, જે પર્યટન અને આયાત પર વધુ આધારિત છે, આવી સહાય આર્થિક અસ્થિરતા રોકવામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. ભારતની આ સમયસરની મદદ માલદીવ્સ માટે સંકટની ઘડીમાં મોટી સહાય બની છે અને બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવે છે.

Most Popular

To Top