300 પોલીસ જવાનોનો બંદોબસ્ત સાથે ખાટકીવાડ વિસ્તારમાં કાર્યવાહી
અમદાવાદ
અમદાવાદ જિલ્લાના ધંધુકામાં યુવકની હત્યા બાદ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાટકીવાડ વિસ્તારમાં આજે વહેલી સવારથી જ ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.
ધંધુકામાં ગત 18 એપ્રિલના રોજ બાઈક ઓવર ટેક કરવના મામલે થયેલી બોલાચાલીમાં ધર્મેશ ગમારા નામના યુવકની હત્યા બાદ સમગ્ર પંથકમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી તેમના રીમાન્ડ મેળવી કાયદેસની કાર્યવાહી હાથ ધરી છે. જયારે બીજ બાજુ વહીવટી તંત્રે આરોપીઓ અને અસામાજિક તત્ત્વો સામે લાલ આંખ કરી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચારથી વધુ ગેરકાયદે મકાનો તોડી પાડ્યા હતા. આ ઓપરેશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આશરે 300 જેટલા પોલીસ જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા. સાથે જ નગરપાલિકા તથા માર્ગ અને મકાન વિભાગ (R&B)ના 50થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ કામગીરીમાં જોડાયા હતા.
વહીવટી તંત્ર દ્વારા 20થી વધુ ગેરકાયદેસર બાંધકામોને જમીનદોસ્ત કરી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. સાથે જ UGVCLની ટીમ દ્વારા ગેરકાયદે વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા હતા.
આ કાર્યવાહી દરમિયાન ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપીઓના મકાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જેમાં હનીફ ઉર્ફે મુન્નો મસ્તાનના ગેરકાયદેસર બાંધકામનું પણ ડિમોલિશન કરવામાં આવ્યું છે. તેના વિરુદ્ધ અગાઉ ગૌવંશ હત્યા અને તસ્કરી જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. ધંધુકામાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ અને વહીવટી તંત્ર એલર્ટ
મોડમાં છે.