સમગ્ર વિશ્વમાં દર વર્ષે 23 મી એપ્રિલના દિવસને વિશ્વ પુસ્તક દિન તરીકે ઉજવવામાં આવે છે. કેટલાક વિદ્વાનો દ્વારા એવી ચિંતા કરવામાં આવી રહી છે કે એકવીસમી ટેકનોલોજીની આ સદીમાં પરંપરાગત પુસ્તક વાંચનનું મહત્વ ઝડપથી ઘટતું જાય છે. આજના ડિજિટલ યુગમાં ખાસ કરીને યુવાનોમાં ઈ- બુક્સ અને ઓડિયો બુકસ વાંચવાનું મહત્વ ઝડપથી વધતું જાય છે. વડીલોને રાત્રે સુતા પહેલા પુસ્તક વાંચવાની સારી ટેવ હતી. યુવા પેઢી પર સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાએ એવો કબજો મેળવ્યો છે કે રાત્રે મોબાઈલ જોયા વિના એને ઊંઘ નથી આવતી અને સવારે ઉઠતા સૌથી પહેલા મોબાઈલના સહારે જાય છે.
પરિણામે એમને જોઈતી માહિતી માટે પુસ્તકના પાનાઓ ફેરવવાને બદલે ગૂગલ સર્ચ કરીને બધી માહિતી મેળવી લે છે. વર્તમાન ડિજિટલ યુગમાં લોકોની વાંચનની આદતમાં જબરદસ્ત પરિવર્તન આવ્યું છે. ખાસ કરીને યુવા પેઢી સ્ક્રીન પર વાંચવાનું વધુ પસંદ કરે છે કારણ કે એ એમને સહજ રીતે ઉપલબ્ધ હોય છે. એક સર્વે એવું કહે છે કે ઈ-બુક અને ઓડિયો બુકનું માર્કેટ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. યુવા વર્ગ પુસ્તક વાંચન બિલકુલ નથી કરતું એવું પણ નથી પરંતુ એઓ છપાયેલા પુસ્તકોને બદલે સ્માર્ટ ફોન અને ઓડિયો બુકને વધુ પસંદ કરે છે. પુસ્તકનું પરંપરાગત અને ડિજિટલ વાંચન એ પરસ્પર વિરોધી નથી પરંતુ બંને એકમેકના પૂરક બનવા જોઈએ. લોકો વાંચે એ વધારે અગત્યનું છે કારણ કે માનસિક સ્વાસ્થ્ય માટે અને નવું નવું શીખવા માટે વાંચન અતિ આવશ્યક જ નહીં અનિવાર્ય પણ છે.
નવસારી -ડૉ. જે. એમ. નાયક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે