ચોમાસામાં કામગીરીની સાચી કસોટી થશે
લિંબાયતની મીઠીખાડીમાં ફ્લોટીંગ પોકલેનથી સફાઈનો પ્રારંભ: સુરત શહેરમાં દર વર્ષે ચોમાસાની શરૂઆત સાથે ખાડીપુરની સમસ્યા વહીવટી તંત્ર માટે મોટો પડકાર બની રહેતી હોય છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડતા શહેરમાંથી પસાર થતી ખાડીઓમાં પાણીનો પ્રવાહ વધી જાય છે અને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાય છે. ગત વર્ષે તો એક સપ્તાહ સુધી ખાડીપુરનું પાણી ન ઓસરતાં અનેક પરિવારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાએ (Surat Municipal Corporation) પ્રિ-મોન્સૂન કામગીરીને વેગ આપ્યો છે.
અભિયાનના ભાગરૂપે લિંબાયત ઝોનમાંથી પસાર થતી મીઠીખાડીમાં ફ્લોટીંગ પોકલેન મશીન દ્વારા સફાઈ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ખાસ કરીને ખાડીના તે વિસ્તારોમાં જ્યાં પરંપરાગત મશીનો પહોંચી શકતા નથી, ત્યાં હવે આ ફ્લોટીંગ મશીન દ્વારા ગાદ, કચરો અને અવરોધ દૂર કરવામાં આવશે. આગામી દિવસોમાં આવી વધુ ત્રણ ફ્લોટીંગ પોકલેન મશીનો ખાડીઓમાં ઉતારવામાં આવશે, જેથી સમગ્ર નાળાવ્યવસ્થા વધુ કાર્યક્ષમ બને.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે વહીવટી તંત્ર દ્વારા ચોમાસાની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને અગાઉથી આયોજનબદ્ધ કામગીરી શરૂ કરાઈ છે. ગત વર્ષની ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને મ્યુનિસિપલ કમિશનર દ્વારા વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્લાન મુજબ ખાડીઓના મુશ્કેલ વિસ્તારોમાં પણ સઘન સફાઈ કરીને ખાડીપુરની સમસ્યાને નિયંત્રિત કરવાનો પ્રયાસ હાથ ધરાયો છે.
ખાડીપુર નિવારણ માટે તજજ્ઞ ટીમનો અભ્યાસ શરૂ : ખાડીપુરની સમસ્યાનું લાંબા ગાળાનું સમાધાન શોધવા માટે કેન્દ્ર સરકારની Central Water Commission અને National Institute of Hydrology ની સંયુક્ત નિષ્ણાત ટીમ સુરત પહોંચી છે. આ ટીમ દ્વારા શહેરની ખાડીઓ, પાણીના પ્રવાહ, અવરોધો અને સંવેદનશીલ વિસ્તારોનો સઘન અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
ટીમ દ્વારા તૈયાર થનારા અહેવાલમાં ટૂંકા ગાળાના તેમજ લાંબા ગાળાના ઉકેલો અંગે મહત્વપૂર્ણ ભલામણો કરવામાં આવશે. આ ભલામણોના આધારે સુરત મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક તથા સ્થાયી પગલાં લેવામાં આવશે, જેથી આવનારા ચોમાસામાં ખાડીપુરની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો લાવી શકાય. હાલમાં શરૂ કરાયેલ ફ્લોટીંગ પોકલેન દ્વારા સફાઈ અભિયાનને ચોમાસા પૂર્વેની મહત્વપૂર્ણ તૈયારી તરીકે જોવામાં આવી રહ્યું છે. હવે આવનારા ચોમાસામાં આ કામગીરી કેટલી અસરકારક સાબિત થાય છે, તે પર સમગ્ર શહેરની નજર રહેશે.