Editorial

ભારતમાં ઓનલાઇન છેતરપિંડીનો વ્યાપ ખૂબ વધ્યો છે

તમે ઓનલાઇન પેમેન્ટ કે ટ્રાન્સફર કરતા હો કે નહીં પરંતુ ઓનલાઇન વ્યવહારોમાં થતી છેતરપિંડીની ઘણી વાતો તમે સાંભળી જ હશે. કોઈ મિત્ર એવી વસ્તુ માટે ઓનલાઈન પૈસા ચૂકવે છે જે વસ્તુ ક્યારેય તેના ઘરે પહોંચતી જ નથી. પરિવારના કોઈ સભ્યને નકલી બેંક એક્ઝિક્યુટિવનો ફોન આવે છે અને તેઓ એવી વિગતો તેને આપી દે છે જે નહોતી આપવાની. કોઈ સહકર્મી પેમેન્ટની સમસ્યા ઉકેલવા માટે એક લિંક પર ક્લિક કરે છે, અને તેમને ખ્યાલ આવે તે પહેલાં જ ખાતામાંથી પૈસા ગાયબ થઈ જાય છે. આ હવે કોઈ દુર્લભ કિસ્સા નથી રહ્યા.

હવે તો છેતરપિંડીના એટલા બધા કિસ્સાઓ બને છે કે બહુ મોટી રકમ તેમાં સંડોવાયેલી નહી હોય તો તેની ખાસ નોંધ પણ લેવાતી નથી. અનેક  કિસ્સાઓમાં, જ્યાં સુધી અચાનક બધું ખોટું ન થયું ત્યાં સુધી વ્યવહાર એકદમ સામાન્ય લાગતો હતો એવું હોય છે. અને આ હવે છૂટાછવાયા કિસ્સાઓ નથી. ડિજિટલ છેતરપિંડી એવી રીતે સામે આવી રહી છે જેની મોટાભાગના લોકોએ કલ્પના પણ નહોતી કરી. પેમેન્ટ્સ હવે ઇન્સ્ટન્ટ (ત્વરિત) છે, પૈસા સેકન્ડોમાં ટ્રાન્સફર થઈ જાય છે, અને થોભવા કે ફરીથી તપાસવા માટે બહુ ઓછો સમય મળે છે. તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ઉમેરાતા હવે વધુ ખાતરીપૂર્વકના સંદેશાઓ, ઓળખ અને અવાજો બનાવવાનું સરળ બન્યું છે, જેના કારણે શું અસલી છે અને શું નકલી તે પારખવું વધુ મુશ્કેલ બની રહ્યું છે.

બેંકો અને ફિનટેક કંપનીઓ સાથે કામ કરતી રિસ્ક ઇન્ટેલિજન્સ ફર્મ ‘બ્યુરો’નો ‘ઇન્ડિયા ફ્રોડ રિપોર્ટ 2026’ આ બદલાવને સ્પષ્ટ કરે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના ડેટા મુજબ, 2024-25 માં બેંક છેતરપિંડી વધીને 36,014 કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે પાછલા વર્ષ કરતા લગભગ ત્રણ ગણી છે, ભલે નોંધાયેલા કેસોની સંખ્યામાં ઘટાડો થયો હોય. જો થોડું વિસ્તૃત રીતે જોઈએ તો ચિત્ર વધુ સ્પષ્ટ થાય છે. સંસદમાં રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ, 2025 ના પ્રથમ દસ મહિનામાં જ ભારતમાં 4,200 કરોડ રૂપિયાથી વધુના નુકસાન સાથે લગભગ 24 લાખ ડિજિટલ છેતરપિંડીના કેસો નોંધાયા હતા.

આ એક જ સમસ્યાના અલગ-અલગ સ્તરો છે. 36,014 કરોડ રૂપિયા ઉચ્ચ-મૂલ્યની બેંક છેતરપિંડી દર્શાવે છે, જ્યારે 4,200 કરોડ રૂપિયા યુઝર્સ દ્વારા નોંધાયેલ રિટેલ ડિજિટલ સ્કેમ્સ છે. બધું સાથે જોતા પેટર્ન સ્પષ્ટ છે: ઓછા કેસ, મોટું નુકસાન. વધુ પ્રયાસો, ઝડપી અમલ. બ્યુરોના CTO સંદેશ જીએસએ જણાવ્યું કે, RBI નો પોતાનો ડેટા આ પેટર્નને સ્પષ્ટ કરે છે. ઓછી ઘટનાઓ, ઘણું વધારે નુકસાન. આ છેતરપિંડી ઓછી નથી થઈ, તે વધુ સ્માર્ટ બની છે. છેતરપિંડી કરનારાઓ હવે વધુ હોંશિયાર બની રહ્યા છે. રિપોર્ટ મુજબ, ફ્રોડ હવે એક નેટવર્કની જેમ કામ કરે છે.

લાખો ‘એકાઉન્ટ ટેકઓવર’ ના પ્રયાસો પહેલેથી જ સફળ થયા છે, અને 11 લાખથી વધુ શંકાસ્પદ ‘મ્યુલ એકાઉન્ટ્સ’ (ચોરીના નાણાં ફેરવવા માટે વપરાતા ખાતા) મળી આવ્યા છે. એકવાર પૈસા આ ખાતામાં આવે એટલે તેને મિનિટોમાં અનેક સ્તરોમાં ફેરવી દેવામાં આવે છે, જેથી તેની રિકવરી અશક્ય બની જાય છે.  હવે છેતરપિંડી કરનારાઓ નાના શિકારને બદલે મોટા અને હાઈ-વેલ્યુ ટાર્ગેટ પર ધ્યાન આપી રહ્યા છે. ખાસ કરીને ડિજિટલ લોન ક્ષેત્રે ‘લોન સ્ટેકિંગ’ (સિસ્ટમ પકડી શકે તે પહેલા મિનિટોમાં અનેક એપ પરથી લોન લેવી) જેવી ઘટનાઓ વધી છે. આ વધારાનું એક કારણ ‘ફ્રોડ-એઝ-એ-સર્વિસ’ પણ છે, જ્યાં છેતરપિંડી માટેના તૈયાર ટૂલ્સ, ડેટા અને સ્ક્રિપ્ટ્સ ઓનલાઈન ભાડે કે વેચાતા મળે છે! જેનાથી સામાન્ય ગુનેગાર પણ ટેકનિકલ જાણકારી વગર છેતરપિંડી કરી શકે છે.

લોકલસર્કલના 2025 ના સર્વે મુજબ, ભારતમાં દર પાંચમાંથી એક UPI યુઝર છેતરપિંડીનો ભોગ બન્યો છે. આમાંના ઘણા કૌભાંડો દક્ષિણ-પૂર્વ એશિયાના નેટવર્ક્સ સાથે જોડાયેલા છે, જેનાથી ભારતીયોને હજારો કરોડનું નુકસાન થયું છે. આ બધું રોકવા માટે અત્યારે બેંકો સંઘર્ષ કરી રહી છે, કારણ કે તેમની ઘણી સિસ્ટમ્સ હજુ પણ જૂની અને ધીમી છે. ભારતનું પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જ ઝડપથી વિસ્તર્યું છે. UPI હવે દર મહિને 20 અબજથી વધુ ટ્રાન્ઝેક્શન પ્રોસેસ કરી રહ્યું છે, જેમાં દરરોજ અબજોની સંખ્યામાં પેમેન્ટ થઈ રહ્યા છે.

પરંતુ ફ્રોડ ડિટેક્શન તેટલી ઝડપી બની નથી. સંદેશના જણાવ્યા અનુસાર, મોટાભાગની સંસ્થાઓ માટે સાચો જવાબ ‘ના’ છે. ઘણી બેંકો હજી પણ એવી સિસ્ટમ્સ સાથે કામ કરી રહી છે જે ધીમા ટ્રાન્ઝેક્શન માટે ડિઝાઇન કરવામાં આવી હતી. છેતરપિંડીની ઓળખ ઘણીવાર પૈસા ટ્રાન્સફર થઈ ગયા પછી થાય છે. સમગ્ર ઇકોસિસ્ટમમાં સમાન પેટર્ન જોવા મળે છે, એવી સિસ્ટમ્સ જે અગમચેતી વાપરવાને બદલે છેતરપિંડી થયા પછી પ્રતિક્રિયા આપે છે અને તપાસ જે ખૂબ મોડી થાય છે. અંદાજ મુજબ, સુધારેલી સિસ્ટમ્સ દ્વારા અંદાજે ₹1,120 કરોડનું નુકસાન અટકાવી શકાયું હોત.

છેલ્લા કેટલાક વર્ષોમાં, RBI એ વારંવાર બેંકો અને પેમેન્ટ સંસ્થાઓના ડિજિટલ કામકાજ અને IT ગવર્નન્સમાં રહેલી ખામીઓ તરફ ધ્યાન દોર્યું છે, અને ઘણા કિસ્સાઓમાં પ્રતિબંધો અને દંડ પણ લાદ્યા છે. હવે પોલિસીની દિશા પણ બદલાઈ રહી છે. ઇન્સ્ટન્ટ ટ્રાન્સફરમાં વ્યવહાર થઈ ગયા પછીની તપાસ માટે લગભગ કોઈ સમય મળતો નથી. તેથી જ અમુક ચોક્કસ ટ્રાન્ઝેક્શન માટે થોડો વિલંબ દાખલ કરવા જેવા વિચારો પર હવે વિચારણા કરવામાં આવી રહી છે. ઉપાયો તો શોધવામાં આવી રહ્યા છે પરંતુ હાલ તો ફ્રોડ વ્યાપક છે તે કઠોર વાસ્તવિકતા છે.

Most Popular

To Top