ડીઈઓ કચેરીની ગાઈડલાઈન જાહેર; પંખા ચાલુ રાખવા, ખુલ્લા મેદાનની પ્રવૃત્તિઓ હાલ પૂરતી મોકૂફ રાખવા સૂચના
(પ્રતિનિધિ) વડોદરા, તા. 21 એપ્રિલ
રાજ્યના અન્ય શહેરોની જેમ વડોદરામાં પણ હીટવેવની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારી (ડીઈઓ) કચેરી દ્વારા તમામ સ્કૂલોને સવારની પાળીમાં ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ખાસ કરીને સીબીએસઈ સહિતની વિવિધ શાળાઓને વિદ્યાર્થીઓની સુરક્ષા ધ્યાનમાં રાખીને સમયપત્રકમાં ફેરફાર કરવા સૂચના આપવામાં આવી છે.
ડીઈઓ કચેરી દ્વારા સ્કૂલોને પાઠવાયેલા પરિપત્રમાં જણાવાયું છે કે શાળાનો સમય એવો રાખવો કે વિદ્યાર્થીઓ બપોર પહેલાં સુરક્ષિત રીતે ઘરે પહોંચી શકે. ઉપરાંત શાળાઓમાં ઠંડા અને શુદ્ધ પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરવી તેમજ દરેક વર્ગખંડમાં પંખા ચાલુ સ્થિતિમાં હોવાની ખાતરી કરવી જરૂરી રહેશે.
ગાઈડલાઈન મુજબ રિસેસ દરમિયાન અથવા શાળા છૂટ્યા પછી વિદ્યાર્થીઓને તડકામાં ઉભા રાખવા નહીં. ગરમીના કારણે કોઈ વિદ્યાર્થીની તબિયત લથડે તો તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા રાખવાની પણ સૂચના આપવામાં આવી છે.
સાથે જ ખુલ્લા મેદાનમાં પ્રાર્થના સભા તથા રમતગમત જેવી પ્રવૃત્તિઓ હાલ પૂરતી મોકૂફ રાખવા અથવા છાંયડાવાળા વિસ્તારમાં જ આયોજન કરવા જણાવાયું છે. આ સૂચનાઓનું પાલન નહીં કરનાર શાળાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.